રોજિંદા જીવનમાં કામોની લાંબી યાદી વચ્ચે લોકો ઘણીવાર દરેક કાર્યને અર્જન્ટ માની લે છે. આવી સ્થિતિમાં બધું સમયસર અને સંપૂર્ણ રીતે ન કરી શકવાથી ગિલ્ટ એટલે કે અપરાધભાવ ઊભો થાય છે. આમાંથી બહાર આવવા માટે તાત્કાલિક દેખાતા કામો કરતાં ખરેખર ઇમ્પોર્ટન્ટ કામોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

માનસિક આરોગ્ય અને વર્તન સંબંધિત લેખમાં જણાવાયું છે કે વ્યક્તિએ પોતાની વિચારધારા સ્પષ્ટ બનાવી અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. દરેક કામ એકસાથે પૂર્ણ કરવાનું દબાણ રાખવાને બદલે સૌથી મહત્ત્વના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી બાકી કાર્યોને ગોઠવવા માટે સમય મળી શકે છે.

ગિલ્ટ ઘટાડવા માટે ભૂતકાળની ભૂલોને સતત યાદ કરીને પોતાને દોષ આપવાને બદલે તેમાંથી શીખવાની સલાહ આપવામાં આવી છે. પોતાની પસંદગીઓ અને નિર્ણયો માટે જવાબદારી સ્વીકારી, ભૂલ ફરી ન થાય તેવા ઉપાયો અંગે વિચારવું વધુ ઉપયોગી બની શકે છે.

લેખમાં એવા લોકો અને પરિસ્થિતિથી અંતર રાખવાની પણ સલાહ અપાઈ છે, જે વારંવાર વ્યક્તિને અપરાધી અથવા અયોગ્ય હોવાનો અહેસાસ કરાવે. ખાસ કરીને નોકરી, પરિવાર અને માતૃત્વ વચ્ચે સંતુલન સાધતી મહિલાઓએ પોતાની મહત્વાકાંક્ષા માટે સતત ગિલ્ટ અનુભવવાની જરૂર નથી, એવો ભાર મૂકાયો છે.