કોલકાતાનું Mrs Wilson’s Cafe ખાણીપીણીની જગ્યા હોવા ઉપરાંત 30થી વધુ બચાવેલી બિલાડીઓનું ઘર પણ છે. કેફેએ શેર કરેલા વિડિયોમાં બિલાડીઓની દિનચર્યા અને તેમની સંભાળ કેવી રીતે રાખવામાં આવે છે તેની ઝલક જોવા મળે છે.
બપોરની ઊંઘ પછી બિલાડીઓ સાંજે જાગે છે અને ભોજન માટે તૈયાર થાય છે. કેફેની ટીમ તેમના માટે તાજી ઉકાળેલી નદીની માછલી બનાવે છે. માછલીનાં કાંટા કાઢ્યા પછી દરેક બિલાડીને અલગથી ખવડાવવામાં આવે છે. તેમની ખાવાની પસંદગી પણ જુદી જુદી છે: કેટલીક ખાવામાં નખરાં કરે છે, જ્યારે કેટલીકને હાથેથી ખવડાવવી પડે છે.
કેફેમાં આવતા મહેમાનો સાથે બિલાડીઓ સમય વિતાવે છે. તેઓ વહાલ અને રમતમાં જોડાય છે; કાગળની થેલીઓ અને રમકડાં સાથે રમે છે અને રમ્યા પછી તેમને ટ્રીટ્સ પણ મળે છે.
રાત્રિના ભોજનમાં દરેક બિલાડીની પસંદગીનું વેટ ફૂડ આપવામાં આવે છે. કેફેના માલિક તેના સાથે રોજના વિટામિન સપ્લિમેન્ટ્સ પણ ઉમેરે છે. ભોજન પછી બિલાડીઓ પોતપોતાના રૂમ અથવા મનગમતી સૂવાની જગ્યાએ જતી રહે છે.
માલિકે કેફેના વિડિયોમાં કહ્યું છે કે આટલી બધી બિલાડીઓની સંભાળ રાખવી થકવી નાખે તેવી અને ગંદકીવાળી હોઈ શકે છે, છતાં તેમને પ્રેમાળ ઘર આપવાનો આનંદ છે. તેમના જણાવ્યા મુજબ, અહીંનો દરેક દિવસ અલગ હોય છે.
