ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડે મિલિટરી હોસ્પિટલ ભુજના સહયોગથી વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરી. ‘ડોન્ટ મિસ અ બીટ’ થીમ હેઠળ યોજાયેલા આ અભિયાનમાં હૃદય આરોગ્ય અંગે જાગૃતિ, વહેલી તપાસ અને નિયમિત શારીરિક કસરત પર ભાર મૂકવામાં આવ્યો.
21થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા કાર્યક્રમોમાં તબીબી વ્યાખ્યાન, હૃદય તપાસ શિબિર, CPR તાલીમ, યોગ અને તણાવ વ્યવસ્થાપન સત્રોનો સમાવેશ થયો હતો. આ પહેલનો હેતુ સૈનિકો અને તેમના પરિવારોમાં નિવારક આરોગ્ય સંભાળ અંગે જાગૃતિ વધારવાનો હતો.
હૃદયરોગ અંગે તબીબી માર્ગદર્શન
21 સપ્ટેમ્બરે હૃદયરોગ નિષ્ણાત ડૉ. મીત ઠક્કરે હૃદયરોગનાં પ્રારંભિક લક્ષણો, સાયલન્ટ હાર્ટ એટેકનાં સંકેતો અને હૃદયને તંદુરસ્ત રાખવા માટેની જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરી અને પેનલ ચર્ચા પણ યોજાઈ હતી.
360થી વધુ લોકોની તપાસ
23થી 25 સપ્ટેમ્બર દરમિયાન 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના સૈનિકો અને તેમના પરિવારો માટે ત્રણ દિવસીય વિશેષ સ્ક્રીનિંગ શિબિર યોજાઈ હતી. શિબિરમાં 360થી વધુ લોકોની ECG સહિતની કાર્ડિયાક તપાસ કરવામાં આવી. આર્મી મેડિકલ ઓફિસરો અને કન્સલ્ટન્ટ્સે વ્યક્તિગત આરોગ્ય પરામર્શ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટ જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક મદદરૂપ બને તેવી CPRની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી. અંતિમ તબક્કે સ્મૃતિવન સનસેટ પોઈન્ટ સુધી વોકાથોન યોજાઈ હતી, જેમાં નિયમિત શારીરિક પ્રવૃત્તિ અને હૃદયની સંભાળનો સંદેશ આપવામાં આવ્યો.
