મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મહીકા ગામ નજીક હાઇવે પરથી પસાર થતી કારમાંથી 950 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે કારચાલક રફિક ઉર્ફે રફલો હબિબભાઇ વિકિયાણી, ઉંમર 37 વર્ષ, રહે. ચંદ્રપુર, તાલુકો વાંકાનેર,ની ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5,95,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. વી. પટેલ અને સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ શક્તિસિંહ પરમારને બાતમી મળી હતી કે GJ-07-DA-8030 નંબરની સફેદ કારમાં દેશી દારૂ ભરી વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર ગામ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે મહીકા ગામ પાસે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.

પીછો કરીને કાર અટકાવી

બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતાં પોલીસે ચાલકને રોકવા માટે હાથનો ઇશારો કર્યો હતો. જોકે, કારચાલકે કાર ઊભી રાખી ન હતી અને આગળ વધી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે કારનો પીછો કર્યો હતો. મહીકા ગામના પુલ પાસે ખાનગી વાહનોની મદદથી કોર્ડન કરીને કારને અટકાવવામાં આવી હતી.

કારની તલાશી દરમિયાન અંદરથી રૂ.1,90,000ની કિંમતનો 950 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત રૂ.4,00,000ની કાર અને રૂ.5,000નો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે. આમ, જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.5,95,000 થાય છે.

દારૂ મોકલનારની તપાસ શરૂ

પોલીસે પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન આ જથ્થો કોણે મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂના જથ્થા સાથે સંકળાયેલા અન્ય લોકોનાં નામ સામે આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.