તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કટાસવાણ ગામ નજીક બુધવારે, 4 નવેમ્બરે, ખેતમજૂરોને લઈ જતો ટેમ્પો અકસ્માતમાં પલટી ગયો હતો. આ ઘટનામાં ત્રણ શ્રમિકોનાં મોત થયાં, જ્યારે ટેમ્પોચાલક અને એક્ટિવા સવાર મહિલા સહિત નવ લોકો ઘાયલ થયા હતા. શ્રમિકો ડાંગર કાપવા ખેતરે જઈ રહ્યા હતા.
અકસમાત લોટરવા-કહેર માર્ગ પર સવારે આશરે 8:30થી 8:45 વાગ્યાની વચ્ચે થયો હતો. ટેમ્પોચાલક મહેશ નવીનભાઈ રાઠોડ વાહનને રોંગ સાઇડ પરથી પોતાની સાઇડમાં વાળવા જતાં કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પો રસ્તાની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈને પલટી ગયો હતો. પાછળ બેઠેલા શ્રમિકો રસ્તા પર ફંગોળાયા હતા અને કેટલાક વાહન નીચે દબાયા હતા.
આ સમયે સામેથી એક્ટિવા પર પસાર થતાં નવનીતાબેન ગામીત વાહન બચાવવાના પ્રયાસમાં પડી જતાં ઘાયલ થયાં હતાં. સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરીને ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે વ્યારા જનરલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ત્રણ શ્રમિકોનાં મોત, નવને ઇજા
58 વર્ષીય સીતાબેન મંગાભાઈ ગામીતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 52 વર્ષીય અરવિંદભાઈ મણીલાલ રાઠોડ અને 75 વર્ષીય ગજરાબેન શુક્કરભાઈ ગામીતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ત્રણેય વ્યારાના નવી વસાહત ફળિયાના રહેવાસી હતા.
ઘાયલોમાં ટેમ્પોમાં બેઠેલાં લાડકીબેન નાયકા, મંજુબેન કોંકણી, શાંતીબેન ચૌધરી, સીતાબેન રાઠોડ અને ટીનુબેન રાઠોડ સહિતના શ્રમિકોનો સમાવેશ થાય છે. વિજયભાઈ ચૌધરી, છનાભાઈ રાઠોડ, ટેમ્પોચાલક મહેશ રાઠોડ અને એક્ટિવા સવાર નવનીતાબેન ગામીત પણ ઘાયલ થયાં હતાં.
કાકરાપાર પોલીસે સોમાભાઈ રાઠોડની ફરિયાદના આધારે ટેમ્પોચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી ત્રણનાં મોત નિપજાવવાનો ગુનો નોંધ્યો છે. વ્યારા વિભાગના DySP પી. જી. નરવાડેએ જણાવ્યું હતું કે વાહનની ટેકનિકલ સ્થિતિ અને અકસ્માતનાં ચોક્કસ કારણો જાણવા FSLની મદદ લેવાઈ રહી છે. તપાસ પૂર્ણ થયા પહેલાં અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી થયું નથી.
