વિસાવદર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી નિયમિત પાણી ન મળતાં સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ માટલા ફોડી અને નારા લગાવી પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવાની માગ કરી હતી.

સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં ગટર નાખવામાં આવ્યા બાદથી પાણીનો પુરવઠો નિયમિત રહ્યો નથી. છેવાડાના વિસ્તારમાં આવેલા મકાનો સુધી નગરપાલિકાની ટાંકીનું પાણી પૂરતું પહોંચતું ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. પાણીની અછતને કારણે કેટલાક પરિવારોને વ્યાજે રૂપિયા લાવીને પોતાના ઘરે બોર કરાવવાની ફરજ પડી હોવાની રજૂઆત કરવામાં આવી.

400થી 500 મકાનોમાં પાણીની મુશ્કેલી

દ્વારકા સોસાયટી વિસ્તારમાં રહેતાં રમાબેન ડોડીયાએ જણાવ્યું હતું કે ગટરકામ થયા બાદ તેમના વિસ્તારમાં ત્રણ મહિનાથી નિયમિત પાણી આવતું નથી. તેમણે કહ્યું કે પરિવાર નિયમિતપણે 8 થી 9 પ્રકારના વેરા ભરે છે, છતાં સામાન્ય કાગળિયા માટે પણ પહેલાં વેરો ભરવાની માગણી કરવામાં આવે છે.

ધર્મિષ્ઠાબેન કૂબાવતે જણાવ્યું હતું કે તેમના વિસ્તારનાં અંદાજે 400 થી 500 મકાનોમાં પાણીની સમસ્યા છે. મહિલાઓએ સવાલ કર્યો હતો કે આટલા મોટા વિસ્તાર માટે માત્ર 1 ટેન્કર મોકલવાથી દરેક ઘરને પૂરતું પાણી કેવી રીતે મળશે.

મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેટલાક વિસ્તારોમાં ખુલ્લી નળીઓથી રસ્તા ધોવામાં પાણી વપરાય છે, જ્યારે પાછળના વિસ્તારોમાં ટાંકા ખાલી રહે છે. પાણી ખેંચવાની મોટરો બળી જવાથી કેટલાક પરિવારોને આર્થિક નુકસાન થતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મહિલાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે રસ્તાનું કામ પાછળથી થાય તો ચાલશે, પરંતુ પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવો જોઈએ.

નગરપાલિકાએ સ્થળ તપાસની ખાતરી આપી

વિરોધ બાદ વિસાવદર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભાવિન કાંટાણીએ જણાવ્યું હતું કે મહિલાઓ દ્વારા રજૂ કરાયેલી પાણીની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી છે. સ્થળ તપાસ કરાવી પાણીનો પુરવઠો પૂર્વવત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે ડેમમાં જળસ્તર ઓછું છે અને વરસાદનું પ્રમાણ ઘટ્યું હોવાથી સમગ્ર શહેરમાં અલ્ટરનેટ દિવસે માત્ર 30 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. નગરપાલિકાએ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. દ્વારકા સોસાયટીની રજૂઆતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.