વિરાર–દહાણુ રોડ વચ્ચે રેલવેના ક્વોડ્રુપલિંગ પ્રોજેક્ટ હેઠળ 11 ઑક્ટોબર 2026ના રોજ VNG EI કમિશનિંગની કામગીરી હાથ ધરાશે. આ કામગીરીને કારણે અનેક ટ્રેનોના સમયપત્રક અને સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. છ ટ્રેનો મોડી ઉપડશે, જ્યારે ત્રણ ટ્રેનોના પ્રારંભિક અથવા અંતિમ સ્ટેશનમાં ફેરફાર રહેશે.
ત્રણ ટ્રેનોના સ્ટેશનમાં ફેરફાર
ટ્રેન નંબર 19417 બોરીવલી–વટવા હવે વાપીથી શરૂ થશે. ટ્રેન નંબર 19001 વિરાર–સુરત વલસાડથી ઉપડશે. જ્યારે ટ્રેન નંબર 19002 સુરત–વિરાર દહાણુ રોડ સુધી જ દોડશે. આ ફેરફારને કારણે વાપી, વલસાડ, સુરત અને દહાણુ રોડથી મુસાફરી કરતા પ્રવાસીઓએ પોતાની ટ્રેનનું સુધારેલું સમયપત્રક અને સ્ટેશનની વિગતો તપાસવી જરૂરી છે.
છ ટ્રેનો મોડી ઉપડશે
11 ઑક્ટોબરે ટ્રેન નંબર 12925 બાંદ્રા ટર્મિનસ–અમૃતસર 1 કલાક 30 મિનિટ અને 12216 બાંદ્રા ટર્મિનસ–દિલ્હી સરાઈ રોહિલા 1 કલાક 45 મિનિટ મોડી ઉપડશે. ટ્રેન નંબર 14708 દાદર–હનુમાનગઢ અને 19217 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ 30 મિનિટ મોડી રહેશે. ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ–જોધપુર 1 કલાક, જ્યારે 12933 બાંદ્રા ટર્મિનસ–વડોદરા 30 મિનિટ મોડી ઉપડશે.
કામગીરીને કારણે કેટલીક અન્ય ટ્રેનો 30થી 40 મિનિટ મોડી દોડવાની શક્યતા છે. કેટલીક ટ્રેનોને 30 મિનિટથી અઢી કલાક સુધી રોકી રાખવામાં આવી શકે છે. અન્ય ટ્રેનો પર પડતી અસરને કારણે 10થી 15 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 15થી 20 મિનિટનો વિલંબ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. મુસાફરો ઘરેથી નીકળતાં પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિ અને બદલાયેલા સ્ટેશનની વિગતો તપાસે.
