વેરાવળ બંદરના ફિંગર જેટી વિસ્તારમાં શુક્રવાર, 23 ઓક્ટોબરે વહેલી સવારે માછલીના કાંટાના સ્ટોરેજમાં આગ લાગી હતી. આગ આસપાસ ફેલાતાં આશરે 10 દંગા એટલે કે ઝૂંપડાં અને ત્યાં પાર્ક કરેલી બે છકડો રિક્ષા તેની ઝપેટમાં આવી ગયાં હતાં. અહેવાલ મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સવારે આશરે 5:30 વાગ્યે સ્ટોરેજમાં આગ લાગી હતી. આગ વધતાં નજીકનાં ઝૂંપડાં અને વાહનો સુધી જ્વાળાઓ પહોંચી હતી. આગને કારણે સ્ટોરેજ ઉપરાંત ઝૂંપડાં અને બંને રિક્ષાને નુકસાન થયું હતું. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે બંદર વિસ્તારમાં દોડધામ મચી હતી.

એક કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી

આગ અંગેનો કોલ મળતાં વેરાવળ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ બુઝાવવા માટે મીની ફાયર ટેન્કર અને પાણીના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાયર કર્મચારીઓએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો કર્યા હતા.

જમાદાર સુનિલ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ડીસીપીઓ હરપાલસિંહ ખેર તથા ફાયરમેન રોહિત વંશ, વિક્રમ ખટાણા, કેતન વાળા અને જીતેશ ભરડવા કામગીરીમાં જોડાયા હતા. ટીમના સંયુક્ત પ્રયાસોથી આશરે એક કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

ઘટનામાં નુકસાન પામેલાં ઝૂંપડાંની સંખ્યા આશરે 10 જણાવાઈ છે. જોકે, સ્ટોરેજ, ઝૂંપડાં અને વાહનોને મળીને કેટલું આર્થિક નુકસાન થયું છે તેનો સત્તાવાર આંકડો હજી જાહેર થયો નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે પણ સ્પષ્ટતા થઈ નથી.