અમદાવાદના વટવા વિસ્તારમાં એસ.પી. રિંગરોડ પર રોપડા ચેકપોસ્ટ પાસેથી પોલીસે 9.920 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા જથ્થાની કિંમત ₹4,96,000 હોવાનું જણાવાયું છે. આ મામલે જૂનાગઢના કરીમશા મહેબુબશા રફાઈ અને રિજવાનાબાનું આમદભાઈ સેહતાની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે એક મહિલા અને પુરુષ કપડાંની આડમાં ગાંજાનો જથ્થો લઈ પસાર થવાના છે. વોચ ગોઠવી બંનેને રોક્યા બાદ તેમની પાસેથી ત્રણ પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. તેની તપાસમાં છ પાર્સલમાંથી ગાંજો મળ્યો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બંને આરોપીઓ ઓડિશાથી ટ્રેનમાં આવ્યા હતા અને નાગપુરથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં અમદાવાદ થઈ જૂનાગઢ જવાના હતા. પોલીસ પૂછપરછમાં રિજવાનાએ આર્થિક તંગી અને છૂટાછેડા બાદની પરિસ્થિતિને કારણે આ કામમાં જોડાયાનું જણાવ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. પોલીસના કહેવા મુજબ, તે અગાઉ પણ ઓડિશાથી ગાંજો લાવવાના ચારથી પાંચ ફેરા કરી ચૂકી હતી.
આ કેસમાં આદિલ સૈયદ, ફૈજાન મેમણ અને ઓડિશાના સપ્લાયર તરીકે ઓળખાવાયેલા રબીદાસની શોધખોળ ચાલી રહી છે. પોલીસ સમગ્ર હેરાફેરીના નેટવર્ક અંગે તપાસ કરી રહી છે.
