પશ્ચિમ રેલવેએ વરેઠા–ગાંધીનગર કેપિટલ વચ્ચેની મેમુ ટ્રેન નંબર 69208/69207ને વટવા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. વિસ્તૃત માર્ગ પર વટવાથી 29 નવેમ્બર, 2026 અને વરેઠાથી 30 નવેમ્બર, 2026થી ટ્રેન દોડશે. આ ફેરફારથી ઉત્તર ગુજરાતના મુસાફરોને ગાંધીનગર ઉપરાંત અમદાવાદનાં વિવિધ સ્ટેશનો સુધી સીધી ટ્રેન મળશે.
ટ્રેનને ચાંદખેડા રોડ, સાબરમતી, અમદાવાદ અને મણિનગર ખાતે વધારાનાં રોકાણ આપવામાં આવ્યાં છે. વરેઠા, વડનગર, વિસનગર, મહેસાણા અને કલોલ વિસ્તારથી અમદાવાદ આવતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે આ વિસ્તરણ ઉપયોગી બનશે. અમદાવાદના આ સ્ટેશનો સુધી જવા માટે તેમને ટ્રેન બદલવાની જરૂર નહીં રહે.
વટવાથી સાંજે 17:10 કલાકે પ્રસ્થાન
ટ્રેન નંબર 69207 વટવા–વરેઠા મેમુ 29 નવેમ્બરથી વટવાથી સાંજે 17:10 કલાકે ઉપડશે અને રાત્રે 21:30 કલાકે વરેઠા પહોંચશે. માર્ગમાં મણિનગરનો સમય 17:15, અમદાવાદનો 17:25, સાબરમતીનો 17:58 અને ચાંદખેડા રોડનો 18:07 કલાકનો રહેશે. ત્યારબાદ ગાંધીનગર કેપિટલ ખાતે 18:35, કલોલ ખાતે 19:04 અને મહેસાણા ખાતે 19:58 કલાકનો સમય દર્શાવવામાં આવ્યો છે.
વરેઠાથી સવારે 06:15 કલાકે ટ્રેન ઉપડશે
ટ્રેન નંબર 69208 વરેઠા–વટવા મેમુ 30 નવેમ્બરથી વરેઠાથી સવારે 06:15 કલાકે ઉપડશે. આ ટ્રેન મહેસાણા ખાતે 07:18, કલોલ ખાતે 08:12 અને ગાંધીનગર કેપિટલ ખાતે 08:43 કલાકે પહોંચશે. આગળ ચાંદખેડા રોડનો સમય 09:05 અને સાબરમતીનો 09:28 કલાકનો રહેશે. અમદાવાદ ખાતે 10:05 અને મણિનગર ખાતે 10:20 કલાક બાદ ટ્રેન સવારે 10:45 કલાકે વટવા પહોંચશે.
આમ, ઉત્તર ગુજરાતથી સવારે અમદાવાદ તરફ અને વટવાથી સાંજે વરેઠા તરફ મુસાફરી માટે આ સેવા ઉપલબ્ધ થશે. વટવા, મણિનગર, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારના મુસાફરોને પણ ઉત્તર ગુજરાત તરફ સીધી અવરજવરનો વિકલ્પ મળશે. બંને દિશામાં વિસ્તૃત સેવા શરૂ થવાની તારીખ અલગ હોવાથી મુસાફરોએ પોતાની મુસાફરીની તારીખ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
વિસ્તરણની સાથે વરેઠા અને ગાંધીનગર કેપિટલ વચ્ચેના મધ્યવર્તી સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી અગાઉના સમયને આધારે સ્ટેશને પહોંચવાને બદલે મુસાફરી પહેલાં સુધારેલું સમયપત્રક ચકાસી લેવા રેલવે પ્રશાસને અનુરોધ કર્યો છે.
