ઉત્તર ગુજરાતથી અમદાવાદ આવનારા દૈનિક મુસાફરો માટે વરેઠા–ગાંધીનગર કેપિટલ MEMU ટ્રેન હવે વટવા સુધી દોડશે. પશ્ચિમ રેલવેના નિર્ણય પ્રમાણે, વિસ્તૃત રૂટમાં મણિનગર, અમદાવાદ, સાબરમતી અને ચાંદખેડા રોડ સ્ટેશનોનો સમાવેશ થશે. વટવાથી વરેઠા તરફની સેવા 29 નવેમ્બરથી અને વરેઠાથી વટવા તરફની સેવા 30 નવેમ્બરથી શરૂ થશે.

વટવાથી વરેઠા જવાનો સમય

વટવાથી ટ્રેન સાંજે 5.10 વાગ્યે ઉપડશે. મણિનગરમાં 5.15, અમદાવાદમાં 5.25, સાબરમતીમાં 5.58 અને ચાંદખેડા રોડ પર 6.07 વાગ્યે રોકાશે. ત્યારબાદ ગાંધીનગર કેપિટલમાં 6.35, કલોલમાં 7.04 અને મહેસાણામાં 7.58 વાગ્યે પહોંચશે. વરેઠા પહોંચવાનો સમય રાત્રે 9.30 વાગ્યાનો છે.

વરેઠાથી વટવા આવવાનો સમય

વરેઠાથી ટ્રેન સવારે 6.15 વાગ્યે ઉપડશે. મહેસાણામાં 7.18, કલોલમાં 8.12 અને ગાંધીનગર કેપિટલમાં 8.43 વાગ્યે પહોંચશે. ચાંદખેડા રોડ પર 9.05, સાબરમતીમાં 9.28, અમદાવાદમાં 10.05 અને મણિનગરમાં 10.20 વાગ્યે સ્ટોપ રહેશે. ટ્રેન સવારે 10.45 વાગ્યે વટવા પહોંચશે.

બાન્દ્રા ટર્મિનસના બ્લોકથી કેટલીક ટ્રેનોના સ્ટેશન બદલાશે

મુંબઈના બાન્દ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 પર સિમેન્ટ-કોંક્રિટ એપ્રનના સમારકામ માટે 1 ડિસેમ્બરથી 13 ફેબ્રુઆરી 2027 સુધી 75 દિવસનો ટ્રાફિક બ્લોક રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક ગુજરાત અને રાજસ્થાન તરફની ટ્રેનોના ઉપડવાના અથવા અંતિમ સ્ટેશનમાં ફેરફાર થશે.

ભુજ–બાન્દ્રા એક્સપ્રેસ 30 નવેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી બાન્દ્રા ટર્મિનસને બદલે દાદર ખાતે પૂરી થશે. બાન્દ્રા–ભુજ એક્સપ્રેસ 1 ડિસેમ્બરથી 13 ફેબ્રુઆરી સુધી દાદરથી સાંજે 5.40 વાગ્યે ઉપડશે. બીજી ભુજ–બાન્દ્રા એક્સપ્રેસ 30 નવેમ્બરથી 11 ફેબ્રુઆરી સુધી બોરીવલી સુધી જ જશે.

અજમેર–દાદર અને દાદર–અજમેર એક્સપ્રેસ 2 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી બાન્દ્રા ટર્મિનસથી સંચાલિત થશે; ઉપડવાનો સમય બપોરે 2.55 વાગ્યાનો છે. ગંગાનગર–દાદર ટ્રેન 1 ડિસેમ્બરથી 9 ફેબ્રુઆરી સુધી બાન્દ્રા ટર્મિનસ પર પૂરી થશે અને 2 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી સુધી ત્યાંથી બપોરે 2.55 વાગ્યે ઉપડશે. ભગત કી કોઠી–દાદર ટ્રેન 30 નવેમ્બરથી 11 ફેબ્રુઆરી સુધી બાન્દ્રા ટર્મિનસ પર પૂરી થશે; પરત સેવા 1 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ત્યાંથી બપોરે 2.55 વાગ્યે ઉપડશે.