વડોદરા નજીક વરણામા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાંથી 11.855 કિલો ગાંજો મળી આવ્યો છે. પશ્ચિમ રેલવેની એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ સંયુક્ત તપાસ દરમિયાન બે બિનવારસી બેગમાંથી આ જથ્થો કબજે કર્યો હતો. ગાંજાની કિંમત રૂ. 5,92,750 આંકવામાં આવી છે.

ટ્રેન નંબર 20861, અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ANWની ટીમ નંદુરબાર રેલવે સ્ટેશનથી સુરક્ષા અને પેટ્રોલિંગ માટે સવાર થઈ હતી. વરણામા સ્ટેશન પસાર થયા બાદ એન્જિન તરફના ભાગે આવેલા બે જનરલ કોચ વચ્ચેના કોરિડોરમાં મરૂન અને વાદળી રંગની બે શંકાસ્પદ બેગ જોવા મળી હતી. તપાસ કરતાં બંને બેગમાંથી ગાંજાનો જથ્થો મળ્યો.

પ્રાથમિક તપાસમાં અજાણ્યો શખસ બેગ મૂકીને ત્યાંથી નીકળી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, ગાંજો કોણે ટ્રેનમાં લાવ્યો હતો અને તે ક્યાંથી આવ્યો હતો તે હજી સ્પષ્ટ થયું નથી.

ANWના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રઘુભાઈ રાજાભાઈ આલની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ હવે જથ્થો ટ્રેનમાં કોણે મૂક્યો હતો અને હેરાફેરીમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તેની તપાસ કરી રહી છે. ગાંજાના પુરવઠાના સ્ત્રોત અને સંભવિત સંડોવાયેલા લોકો વિશે હાલ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.