વલસાડ જિલ્લાના વાપીમાં હરિયાપાર્ક પાછળથી પસાર થતી દમણગંગા નદીમાં ન્હાવા પડેલા 13 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટના શુક્રવાર, 2 ઓક્ટોબર 2026ના રોજ બની હતી. શનિવાર, 3 ઓક્ટોબરની સવારે શોધખોળ દરમિયાન કિશોરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં રહેતા દીપક વિશ્વકર્માનો પુત્ર આદર્શ વિશ્વકર્મા બે મિત્રો સાથે હરિયાપાર્ક વિસ્તારમાં ગયો હતો. ત્રણેય કિશોરો દમણગંગા નદીમાં ન્હાવા પડ્યા હતા. તે દરમિયાન આદર્શ પાણીમાં તણાઈ ગયો હતો.

આદર્શ નજરે ન પડતાં તેની સાથે રહેલા બંને મિત્રો ગભરાઈને સ્થળ પરથી જતા રહ્યા હતા. બીજી તરફ, આદર્શ ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. બાદમાં બંને મિત્રોની પૂછપરછ દરમિયાન નદીમાં બનેલી ઘટનાની જાણ થઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

અંધારું થતાં શોધખોળ અટકાવવી પડી

જાણ મળતાં પોલીસ અને લાશ્કરોની ટીમ દમણગંગા નદીના કિનારે પહોંચી હતી. ટીમે નદીમાં કિશોરની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ અંધારું થઈ જતાં રાત્રે કામગીરી અટકાવવી પડી હતી.

શનિવારે સવારે ફરી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આદર્શનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કિશોરના મોતથી પરિવારજનોમાં શોક છવાયો છે.