વલસાડના અબ્રામા વિસ્તારના રાજન નગરમાં લાભ પાંચમની આગલી રાત્રે ચાર મકાનોના તાળાં તોડી ચોરી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બુરખાધારી તસ્કરો રેલવે ટ્રેક તરફથી વિસ્તારમાં આવ્યા હોવાનું જણાયું છે. CCTV કેમેરામાં તેમની અવરજવર દેખાઈ હોવાનું પોલીસનું કહેવું છે. ચોરી બાદ તેઓ એ જ માર્ગે પાછા ગયા હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.
વલસાડ પોલીસની અલગ-અલગ ટીમો ઘટનાની તપાસ કરી રહી છે. વલસાડ વિભાગના SP એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પોલીસના ઇન્ચાર્જ PI એસ.એન. ગડું અને વલસાડ LCBના PI એ.યુ. રોઝની આગેવાનીમાં તપાસ ચાલી રહી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારનાં CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યાં છે.
તપાસના ભાગરૂપે પોલીસ કન્સ્ટ્રક્શન સાઇટ અને શ્રમિકોના પડાવ પર જઈને પૂછપરછ કરી રહી છે. ચોરી પછી અચાનક વિસ્તાર છોડીને ગયેલા અથવા અન્ય સ્થળે ખસેલા લોકોની વિગતો પણ મેળવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 50થી વધુ શંકાસ્પદ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી માહિતી એકત્રિત કરવામાં આવી છે. બાતમીદારોની મદદથી પણ સંભવિત શંકાસ્પદો વિશે માહિતી મેળવવાના પ્રયાસ ચાલુ છે.
સંભવિત આવવા-જવાના માર્ગોની તપાસ
તસ્કરો કયા રસ્તે આવ્યા અને ગયા તે જાણવા વલસાડ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ તેમજ ખાનગી ટ્રાવેલ્સનાં પિકઅપ-ડ્રોપ સ્થળોનાં CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. ઘટનાના સમયગાળામાં આ સ્થળોએ શંકાસ્પદ રીતે અવરજવર કરનારા લોકોની ઓળખ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પોલીસ વલસાડ અને આસપાસના વિસ્તારોમાં અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી ગેંગના સભ્યોની હાલની હિલચાલ પણ તપાસી રહી છે. આ ઘટનામાં આવી જ રીતથી ચોરી કરતી ગેંગનો હાથ છે કે નહીં, તે હજી સ્પષ્ટ થયું નથી. ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને બાતમીદારો પાસેથી મળતી માહિતીના આધારે તપાસ આગળ વધી રહી છે. સંડોવાયેલા લોકોની ઓળખ કે ધરપકડ અંગે તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટતા થશે.
