વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જાહેર રસ્તા પરના દબાણ અને સ્વચ્છતાના મુદ્દે કડક કાર્યવાહી કરવા કલેક્ટર નિતિન સાંગવાને સૂચના આપી હતી. દુકાનોની બહાર સામાન મૂકવાથી ટ્રાફિક અને પાર્કિંગમાં થતી મુશ્કેલીનો મુદ્દો ધારાસભ્ય ભરત પટેલે ઉઠાવ્યો હતો.

કલેક્ટરે પાલિકાના ચીફ ઓફિસરને દબાણ કરનારા દુકાનદારો સામે દરરોજ કાર્યવાહી કરવા, રસ્તા પરથી જપ્ત કરેલો સામાન પરત ન આપવા અને સરપ્રાઇઝ ચેકિંગ માટે ટીમ બનાવવા જણાવ્યું હતું. ગંદકી ફેલાવતી દુકાનોને સીલ કરવા સુધીનાં પગલાં લેવા પણ સૂચના અપાઈ હતી.

માર્ગ અને જમીનના પ્રશ્નો

ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ધરમપુરથી નાનાપોંઢા માર્ગ પહોળો કરવાની કામગીરી દરમિયાન 11 વાહનો જપ્ત થતાં કામ અટક્યું હોવાની રજૂઆત કરી હતી. કલેક્ટરે દંડની કાર્યવાહી બાદ વાહનો છોડવાની ખાતરી આપી હતી.

ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ગોવાડા ગામના સર્વે નંબર 916ની જમીનનો મુદ્દો ઉઠાવ્યો હતો. જમીન સરકારી શીર પડતર તરીકે નોંધાયેલી છે, જ્યારે ખેડૂતો 50 વર્ષથી ત્યાં ખેતી કરતા હોવાનો દાવો કરીને જમીન પરત કરવાની માંગ કરી રહ્યા છે. મામલતદારે અરજદારોને અપીલ કરવા જણાવ્યું હતું.

સ્વચ્છતા અને ભજન-સત્સંગનો મુદ્દો

ફલધરા ગામના જલારામધામમાં જલારામ જયંતીએ રાત્રે 9:30 વાગ્યે પોલીસે ભજન-સત્સંગ બંધ કરાવ્યાની રજૂઆત રમણલાલ પાટકર અને અરવિંદ પટેલે કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ બાબત અગાઉ ધ્યાન પર આવી હોત તો ઉકેલ લાવી શકાયો હોત.

બેઠકમાં દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતા સ્વચ્છતા અભિયાનની પણ સમીક્ષા થઈ. સફાઈ પછી વારંવાર ગંદકી કરનારને દંડ કરવા, દંડ ન ભરનારની મિલકત પર બોજો દાખલ કરવા અને દુકાન સીલ કરવા કલેક્ટરે સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વંદના મીણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સંચાલન નિવાસી અધિક કલેક્ટર કે.એસ. ડાભીએ કર્યું હતું.