ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મોટી ધરાઈ ગામના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતા સરકારી કોન્ટ્રાક્ટરે વ્યાજખોરી અને જમીન પોતાના નામે કરાવી લેવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અદાલતે આરોપીના ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અરવિંદભાઈ મેઘજીભાઈ નાવડીયાએ ભાવનગરના ભૂપત કાનજીભાઈ ડોડીયા પાસેથી માસિક 3.66 ટકાના વ્યાજે ₹12 લાખ લીધા હતા. નાણાં સામે મોટી ધરાઈમાં આવેલી સાડા પાંચ વીઘા જમીનનો દસ્તાવેજ અને અન્ય પાંચ વીઘા જમીનનો સાટાખત સુરક્ષા તરીકે આપવામાં આવ્યો હતો.
જમીન પોતાના નામે કરાવી લેવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વ્યાજની રકમ નિયમિત ચૂકવાઈ ન શકતાં આરોપીએ વધુ રકમની માગણી કરી હતી. ફરિયાદીએ પાંચ વીઘામાંથી ત્રણ વીઘા જમીન પોતાના નામે રહેવા દેવા વિનંતી કરી હતી, પરંતુ આરોપીએ વલભીપુર બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આખી જમીન પોતાના નામે કરાવી લીધી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદીનો દાવો છે કે તેણે હપ્તાવાર વ્યાજ પેટે કુલ ₹16.37 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં આરોપીએ વધુ ₹33 લાખ વ્યાજ બાકી હોવાનું કહી જમીન પરત આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ સતત ધમકીઓ મળતાં વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી.
પોલીસે આરોપી સામે IPCની કલમ 389, 420, 506(2) તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ભૂપતસંગ ઉર્ફે ભૂપત કાનજીભાઈ ડોડીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસ દરમિયાન જમીનના મૂળ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે નીલમબાગ અને પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં અગાઉ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
