વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના વર્ગ-4ના કાયમી કર્મચારીઓને વર્ષ 2025-26 માટે કુલ રૂ. 4 કરોડનું એડહોક બોનસ ચૂકવાશે. દિવાળી નિમિત્તે અપાનારી આ રકમ 7 નવેમ્બરે કર્મચારીઓના બેંક ખાતામાં જમા કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ ચુકવણી માટે હિસાબી શાખાને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.
બોનસની ગણતરી 30 દિવસના વેતનના આધારે થશે, પરંતુ તેની મહત્તમ મર્યાદા રૂ. 7,000 છે. આ બોનસ માત્ર વર્ગ-4ના કાયમી કર્મચારીઓ માટે છે. પાત્રતા માટે કર્મચારી 31 માર્ચ 2026ના રોજ નોકરીમાં ચાલુ હોવો જોઈએ અને વર્ષ 2025-26 દરમિયાન ઓછામાં ઓછી છ મહિનાની સતત નોકરી પૂર્ણ કરેલી હોવી જરૂરી છે. કર્મચારીએ જેટલો સમય નોકરી કરી હોય, તેના પ્રમાણમાં બોનસ ચૂકવાશે. ગણતરી માટે 31 માર્ચ 2026ના રોજ મળવાપાત્ર પગાર આધાર ગણાશે.
ચુકવણી માટે ત્રણ દિવસની પ્રક્રિયા
મનપાએ બોનસનાં પત્રકો તૈયાર કરવા અને મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવા તારીખવાર સમયપત્રક આપ્યું છે. 4 નવેમ્બરે બપોર બાદ આઈ.ટી. વિભાગમાંથી પત્રકો મેળવી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. 5 નવેમ્બરે પત્રકો ઓડિટ વિભાગમાં ચકાસણી માટે રજૂ કરવાના છે. ત્યારબાદ 6 નવેમ્બરે ચુકવણીની મંજૂરી મેળવવા તે હિસાબી શાખામાં મોકલવાના રહેશે.
આ પ્રક્રિયા સમયસર પૂર્ણ થયા બાદ 7 નવેમ્બરે બેંક મારફતે રકમ કર્મચારીઓના ખાતામાં જમા કરવાની યોજના છે. નિર્ધારિત સમયમર્યાદામાં મંજૂરી માટે ન પહોંચેલા પત્રકોની ચુકવણી થઈ શકશે નહીં. આવા વિલંબની જવાબદારી સંબંધિત ખાતા અથવા શાખાના અધિકારીની રહેશે.
