વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા નિવૃત્ત નાગરિક જયપ્રકાશ પાંડે સાથે ઉજ્જૈનના શ્રી મહાકાલ ભક્ત નિવાસમાં રૂમ અને VIP દર્શન બુક કરાવવાના બહાને રૂ.70,770ની ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ છે. અકોટા પોલીસ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ કરી રહી છે.

પાંડેએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પરિવાર સાથે ઉજ્જૈન જવાના હોવાથી ChatGPTની મદદથી રહેવાની જગ્યા શોધી રહ્યા હતા. એ દરમિયાન મળેલી લિંક પરની વેબસાઇટમાં આપેલા મોબાઈલ નંબર પર તેમણે સંપર્ક કર્યો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ‘વિનોદ પાંડે’ જણાવ્યું અને શ્રી મહાકાલ ભક્ત નિવાસમાંથી બોલતો હોવાની ઓળખ આપી.

ફરિયાદ મુજબ, ત્રણ રૂમના ભાડા તરીકે રૂ.13,860નો QR કોડ મોકલાયો હતો. પાંડેએ બેંક ખાતામાંથી ચુકવણી કર્યા પછી તેમને રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં મોકલવા કહેવાયું. ત્યારબાદ વિવિધ બેંકોનાં ક્રેડિટ કાર્ડ મારફતે પણ નાણાં ટ્રાન્સફર કરાવાયાં. છ વ્યક્તિના VIP દર્શન માટે વ્યક્તિદીઠ રૂ.250 લેખે કુલ રૂ.1,500 પણ લેવાયા હતા.

બુકિંગનું સ્ટેટસ પેન્ડિંગ બતાવી વધુ રૂ.41,550ની માગણી કરવામાં આવી હતી. કુલ રૂ.70,770 મોકલ્યા પછી પણ વધુ નાણાં માગવામાં આવતાં પાંડેએ છેતરપિંડીની શંકા કરી અને સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

બુકિંગ પહેલાં સત્તાવાર માધ્યમ ચકાસો

શ્રી મહાકાલેશ્વર મંદિરની સત્તાવાર વેબસાઇટ પર અતિથિ નિવાસ બુકિંગ અને સહાય માટે 18002331008 નંબરની વિગતો આપવામાં આવી છે. રૂમ કે દર્શન માટે ચુકવણી કરતાં પહેલાં મંદિરની સત્તાવાર વેબસાઇટ અથવા દર્શાવેલા સંપર્ક માધ્યમથી વિગતો ચકાસવી ઉપયોગી છે. માત્ર સર્ચમાં મળેલી લિંક કે ફોન પર મળેલી ઓળખના આધારે ચુકવણી ન કરવી.