વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન APK ફાઈલના નામે થયેલી સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લિંક ખોલ્યા બાદ તેમના બેંક ખાતામાંથી રૂ.75,619 ઉપડી ગયા હતા. આ મામલે અકોટા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અલકાપુરીના શ્રી કુંજ ફ્લેટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા નરેન્દ્રભાઈ શેઠે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બરે તેમના મોબાઈલ પર ‘ક્રેડિટ કાર્ડ લિમિટ ઇન્ક્રીઝ APK’ નામની લિંક આવી હતી. તેઓ RBL ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવાથી લિંક વિશ્વસનીય માનીને તેમણે તેને ખોલી હતી.

લિંક ખોલ્યાના થોડા સમય બાદ તેમના ખાતામાંથી એક પછી એક ત્રણ ટ્રાન્ઝેક્શન થયા હતા. તપાસ કરતાં ખાતામાંથી કુલ રૂ.75,619 ઉપડી ગયાનું જાણવા મળ્યું હતું.

ફોન બંધ કરી સાયબર સેલને જાણ કરી

રકમ ઉપડી ગયાની જાણ થતાં નરેન્દ્રભાઈ શેઠે તરત જ મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ ફોન રીસેટ કરીને તેમણે સાયબર સેલને જાણ કરી હતી. બાદમાં અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લિંક કયા નંબર અથવા ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવી હતી અને ટ્રાન્ઝેક્શન કયા ખાતાઓમાં થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં વડોદરામાં APK ફાઈલના નામે છેતરપિંડીના અનેક બનાવો નોંધાયા છે, જેમાં ઠગો બેંકિંગ અથવા સરકારી સેવા સાથે જોડાયેલા બહાના હેઠળ મોબાઈલમાં લિંક ખોલાવવાનો પ્રયાસ કરે છે.