વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રતિલાલ પાર્ક સોસાયટી પાસે PCBએ દરોડો પાડીને અર્ટીગા કારમાંથી વિદેશી દારૂની 764 બોટલ જપ્ત કરી છે. કારમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દારૂ છુપાવવા કારમાં ખાસ ચોરખાનું બનાવાયું હતું.

પોલીસે ઉત્તર પ્રદેશના શિવમ ઓમપ્રકાશ સરોજ, પાણીગેટના પંકજ નંદુ કહાર અને પાર્થ ઉર્ફે સોનું રાજુ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે. શિવમ કાર ચલાવતો હતો. દરોડા દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની અર્ટીગા કારમાંથી વ્હિસ્કી અને વોડકાની બોટલો મળી આવી હતી.

દારૂ, કાર અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ

જપ્ત કરાયેલી 764 બોટલોની કિંમત રૂ. 2,41,975 હોવાનું જણાવાયું છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલી અર્ટીગા કારની કિંમત રૂ. 5 લાખ છે. આ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોનની કિંમત રૂ. 15,000 અને રોકડા રૂ. 1,980 કબજે કરાયા છે. પોલીસે દારૂ, કાર, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ. 7,58,955નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં લાલુ નંદુ કહાર, ધુલિયા ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર આપનાર ‘બંટી’ અને દારૂ પહોંચાડવાનું લોકેશન આપનાર એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસના જણાવ્યા મુજબ, દારૂનો જથ્થો લાલુએ મંગાવ્યો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી. આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. દારૂ ક્યાંથી આવ્યો અને હેરાફેરીમાં બીજા કોણ સામેલ છે તેની તપાસ ચાલુ છે.