વડોદરામાં વેપારીઓએ 2 ઓક્ટોબરે ‘નો યુપીઆઈ ડે’ મનાવી UPI વ્યવહારો પર સૂચિત ચાર્જના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. રાવપુરા સ્થિત મહાજનની ગલીના નાકે વેપારીઓ પ્લે કાર્ડ સાથે એકઠા થયા હતા અને સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.
વિરોધમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને બરોડા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન (હાથીખાના)ના હોદ્દેદારો પણ જોડાયા હતા. વેપારીઓએ UPI પેમેન્ટ પર વધારાનો ખર્ચ લાદવાથી વેપાર-ધંધા પર આર્થિક બોજ વધવાની ચિંતા વ્યક્ત કરી હતી.
15 ઓક્ટોબરથી ચાર્જનો વિરોધ
વેપારીઓના જણાવ્યા અનુસાર, 15 ઓક્ટોબર બાદ ₹2,000થી વધુના ચોક્કસ UPI વ્યવહારો પર 0.40 ટકા ચાર્જ અને તેના પર 18 ટકા GST વસૂલવાની જોગવાઈ સામે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના અન્ય વેપારી સંગઠનોની જેમ વડોદરામાં પણ આ મુદ્દે એક દિવસ માટે UPIનો ઉપયોગ ટાળવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ યોજાયો હતો.
વેપારીઓનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યા બાદ હવે તેના પર ચાર્જ વસૂલવો યોગ્ય નથી. હાલ વેપાર-ધંધામાં મંદીનો માહોલ હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે વધારાનો ખર્ચ વેપારીઓના નફા પર સીધી અસર કરી શકે છે.
વેપારીઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે ચાર્જ વધવાથી કેટલાક વ્યવહારો રોકડ તરફ વળી શકે છે. કેટલાક વેપારીઓ આ ખર્ચ ગ્રાહકો પાસેથી આડકતરી રીતે વસૂલવાનો પ્રયાસ કરે તેવી શક્યતા પણ તેમણે દર્શાવી હતી.
નિર્ણય પાછો ખેંચવાની માગ
વેપારીઓએ સરકારને UPI વ્યવહારો પર સૂચિત MDR ચાર્જનો નિર્ણય પાછો ખેંચવાની માગ કરી હતી. વિરોધ દરમિયાન વેપારી સંગઠનોએ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા સરળ અને ઓછા ખર્ચવાળી રહેવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.
UPI ચાર્જ અંગે વેપારી સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના વિરોધ વચ્ચે 2 ઓક્ટોબરે ગુજરાત સહિત વિવિધ સ્થળોએ પ્રતિકાત્મક કાર્યક્રમો યોજાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
