વડોદરામાં નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જતી યુવતીઓ અને ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસને વધુ સતર્ક કરવામાં આવી છે. શહેરના ગરબા ગ્રાઉન્ડોની આસપાસ આવેલા અવાવરું સ્થળો અને ડાર્ક સ્પોટ્સની ઓળખ કરવા પોલીસ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ શરૂ કર્યું છે.

આ કાર્યવાહી ભાયલી વિસ્તારમાં બે વર્ષ પહેલાં બનેલી ગંભીર ઘટનાના સંદર્ભમાં હાથ ધરાઈ રહી છે. પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને પોતાના વિસ્તારના ગરબા ગ્રાઉન્ડોની આસપાસના સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે.

નવલખી, નંદેસરી અને ફતેગંજમાં ફૂટમાર્ચ

સૂચનાના પગલે DCP, ACP અને PI કક્ષાના અધિકારીઓ સ્ટાફ સાથે ગરબા સ્થળોની આસપાસ ફરી રહ્યા છે. DCP મંજીતા વણઝારાની આગેવાની હેઠળ નવલખી ગરબા ગ્રાઉન્ડની આસપાસ પોલીસ ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ નંદેસરી અને ફતેગંજ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા ફૂટમાર્ચ કરવામાં આવી હતી.

પોલીસ ટીમો ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચતા માર્ગો, આસપાસના ખુલ્લા વિસ્તારો અને ઓછા પ્રકાશવાળા સ્થળોની તપાસ કરી રહી છે. આવા સ્થળોની ઓળખ થયા બાદ ત્યાં પેટ્રોલિંગ અને દેખરેખ વધારવામાં આવશે.

પેટ્રોલિંગ સાથે ડ્રોન અને શી ટીમની તૈનાતી

ગરબા સ્થળો તરફ જતા માર્ગો પર પોલીસ વાનનું ચોવીસ કલાક પેટ્રોલિંગ રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થામાં ઘોડેસવાર પોલીસ અને SHE ટીમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગરબા ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારો પર ડ્રોન કેમેરાથી નજર રાખવાની પણ યોજના છે.

પોલીસે ગરબા આયોજકોને મેદાન અને તેની આસપાસ પૂરતી લાઇટિંગ રાખવા ખાસ ભાર મૂક્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રકાશની યોગ્ય વ્યવસ્થા અને સંવેદનશીલ સ્થળોની અગાઉથી ઓળખથી ખેલૈયાઓની અવરજવર દરમિયાન સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી શકાશે.