વડોદરાના મકરપુરા રોડ પર નોવિનો ત્રણ રસ્તા નજીક રસ્તા વચ્ચે અચાનક કૂતરું આવી જતાં ઓટો રિક્ષા પલટી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 58 વર્ષીય કનુભાઈ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્ત કનુભાઈ હાલ બેભાન અવસ્થામાં છે.
મળતી માહિતી મુજબ, માણેજાની શ્રીજી વસાહતમાં રહેતા કનુભાઈ સોલંકી સવારના સમયે ખાનગી યુનિવર્સિટીમાં સાફસફાઈના કામે જવા માટે રિક્ષામાં બેઠા હતા. તેઓ માણેજાથી સુસેન સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે નોવિનો ત્રણ રસ્તા પાસે અચાનક કૂતરું રસ્તા પર આવી ગયું હતું.
કૂતરું સામે આવતા રિક્ષાચાલક સહજાદખાન પઠાણે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ રિક્ષા પલટી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષાચાલક સહિત કનુભાઈને ઈજા પહોંચી હતી. કનુભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવારના ખર્ચ અંગે વિવાદ
પરિવારના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ રિક્ષાચાલકે શરૂઆતમાં કનુભાઈની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની ખાતરી આપી હતી. જોકે, બાદમાં તેણે આ ખાતરીથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે ઈજાગ્રસ્તના પુત્ર અજય સોલંકીએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ, ઈજાઓની હાલની સ્થિતિ અને ફરિયાદમાં લાગુ કરાયેલી કાયદાકીય કલમો અંગેની વધુ વિગતો સત્તાવાર રીતે ઉપલબ્ધ નથી.
