વડોદરાના તરસાલીમાં રહેતા બીજુકુમાર દેવદાસે ચાર ટકા વ્યાજે લોન આપવાની વાતમાં આવીને રૂ. 28.77 લાખ ગુમાવ્યાની પોલીસ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ, પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમને લોનની જરૂર હતી. આ જ જરૂરિયાતનો લાભ લઈ ઠગે બજાજ ફિનસર્વના સિનિયર ઓફિસર રાજગોપાલ કુંડુ તરીકે ઓળખ આપી સંપર્ક કર્યો હતો.

દેવદાસે પોલીસને જણાવ્યું કે 5 ઓક્ટોબરે આવેલા ફોનમાં તેમને છ વર્ષ માટે રૂ. 5 લાખની લોન આપવાની વાત કરવામાં આવી હતી. ફોન કરનારે ઓળખપત્ર મોકલ્યું હોવાથી તેમને વિશ્વાસ બેઠો હતો. શરૂઆતમાં પ્રોસેસિંગના નામે રૂ. 1,950 માગવામાં આવ્યા અને તેમણે સ્કેનર દ્વારા રકમ મોકલી હતી.

જુદા જુદા ચાર્જના નામે રકમ માગી

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ત્યારબાદ સર્વિસ ચાર્જ અને TDS ચાર્જ પેટે રૂ. 24,680 માગવામાં આવ્યા હતા. NOC અને GSTના નામે પણ વધુ રકમ લેવાઈ હતી. આ પૈસા લોનની રકમ સાથે પાછા મળી જશે એવું કહેવામાં આવતાં દેવદાસે ચુકવણી કરી હતી.

વધુ રકમ માગવામાં આવતાં તેમણે આકાશ શર્મા નામના વ્યક્તિ સાથે વાત કરી હતી, જેને મેનેજર તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. ફરિયાદીનો આક્ષેપ છે કે શર્માએ પણ પ્રક્રિયા પૂરી થયા પછી રકમ પરત મળશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ ટુકડે-ટુકડે તેમની પાસેથી કુલ રૂ. 28.77 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. વધુ નાણાંની માગ ચાલુ રહેતાં તેમણે સાયબર સેલને જાણ કરી હતી.

બજાજ ફિનસર્વની સત્તાવાર છેતરપિંડી-જાગૃતિ સૂચનામાં કંપનીના નામે ઓછા વ્યાજની લોનની લાલચ આપીને અગાઉથી નાણાં માગતા કૉલથી સાવચેત રહેવા જણાવ્યું છે. કંપનીનું કહેવું છે કે લોન મંજૂર થાય તે પહેલાં તેના પ્રતિનિધિઓ એડવાન્સ ચુકવણી માગતા નથી. અજાણ્યા કૉલ પર ફી કે GSTના નામે પૈસા મોકલતાં પહેલાં લોન ઓફર સત્તાવાર માધ્યમથી ચકાસવી અને શંકાસ્પદ ઘટનાની જાણ પોલીસ અથવા સાયબર સેલને કરવી જોઈએ.