વડોદરાના ઐતિહાસિક કમાટીબાગમાં કુદરતી હરિયાળી અને ખુલ્લી જગ્યાની વચ્ચે લોખંડ તથા કોંક્રીટના માળખાં ઊભાં કરવાના આક્ષેપ સાથે મોર્નિંગ વોકર્સે વિરોધ નોંધાવ્યો છે. કમાટીબાગ મોર્નિંગ વોકર્સ એસોસિએશનના નરેન્દ્ર રાવત અને અમી રાવતે આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.

મોર્નિંગ વોકર્સના જણાવ્યા મુજબ, કમાટીબાગના એક વિસ્તારમાં અગાઉ લોકો માટે બેસવાની જગ્યા, લોન અને બાળકોને રમવા માટે ખુલ્લી જગ્યા હતી. સવાર-સાંજ લોકો અહીં કસરત કરવા અને વૃક્ષો તથા હરિયાળી વચ્ચે સમય પસાર કરવા આવતા હતા. હવે આ જગ્યાએ કોંક્રીટનું માળખું ઊભું કરી તેના ઉપર લોખંડનું માળખું બનાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખુલ્લી જગ્યા ઘટવાની ચિંતા

વિરોધ કરી રહેલા મોર્નિંગ વોકર્સનું કહેવું છે કે આવી કામગીરીથી બેસવા અને બાળકોને રમવા માટેની ખુલ્લી જગ્યા ઘટી શકે છે. તેમના મતે, કમાટીબાગની ઓળખ તેની લોન, વૃક્ષો, ફળ-ફૂલો અને કુદરતી વાતાવરણથી છે. તેથી અહીં સમર મેળા જેવા લોખંડના માળખાં અથવા અન્ય બાંધકામો ઊભાં કરવાથી બાગની કુદરતી સુંદરતા પર અસર પડશે.

એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર, કમાટીબાગમાં કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવા માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં સોલાર માટેનું માળખું ઊભું કરવાની વાત ચાલી રહી હોવાનો તેઓ દાવો કરે છે, પરંતુ તે માટે બાગની હરિયાળી અને ખુલ્લી જગ્યા પસંદ ન કરવી જોઈએ તેવી તેમની માંગ છે.

અન્ય ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાની માંગ

મોર્નિંગ વોકર્સે જણાવ્યું છે કે વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની અનેક ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ છે. સોલાર સહિતની આવી પ્રવૃત્તિઓ માટે તે સ્થળોનો ઉપયોગ કરી શકાય છે. કમાટીબાગ જેવી હરિયાળી જગ્યા પર કોંક્રીટ અને લોખંડના માળખાં ઊભાં કરવાને બદલે તેની કુદરતી સુંદરતા જાળવવી જોઈએ તેવી માંગ સાથે તેમણે કામગીરી સામે વાંધો નોંધાવ્યો છે.