વડોદરાના જ્યુબિલીબાગ નજીક ઢીંગલી સર્કલથી ગાંધી નગરગૃહ તરફ જતા માર્ગ પર બુધવારે સવારે અચાનક રસ્તો બેસી ગયો હતો. આ માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તો પહેલેથી જ સાંકડો બન્યો છે. હવે માર્ગનો એક ભાગ બેસી જતા વાહનચાલકો અને સ્થાનિકોને વધુ મુશ્કેલી પડી રહી છે.

રસ્તો સાંકડો હોવાથી વાહનચાલકોને પસાર થવામાં અગવડ સાથે અકસ્માતનું જોખમ પણ ઊભું થયું હોવાની સ્થાનિકોની રજૂઆત છે. સામાજિક કાર્યકરે પણ કામગીરી ચાલી રહી હોય ત્યારે રસ્તો બેસી જવાની ઘટનાને ગંભીર ગણાવી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિકોએ માર્ગનું યોગ્ય રીતે સમારકામ કરવાની માગ કરી છે.

રોડ બેસવા અંગે પાલિકાની સ્પષ્ટતા

ડ્રેનેજ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર હરેશ રાઠવાએ જણાવ્યું હતું કે રસ્તો બેસવાની ઘટનાનો ચાલી રહેલી ડ્રેનેજ કામગીરી સાથે સીધો સંબંધ નથી. તેમના જણાવ્યા અનુસાર, રોડ સેટલમેન્ટ થવાથી માર્ગ બેસી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વોર્ડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક ખાડો પૂરી દેવામાં આવ્યો હતો.

100 વર્ષ જૂની લાઇન બદલવાનું કામ

આ વિસ્તારમાં આશરે 100 વર્ષ જૂની અને જર્જરિત 150 મિમીની ડ્રેનેજ લાઇન બદલવામાં આવી રહી છે. તેના સ્થાને 600 મિમી વ્યાસની વધુ ક્ષમતાવાળી ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. આ પ્રોજેક્ટથી મંગળ બજાર, બાજવાડા, નવો બજાર, કંસારા પોળ, રોકડનાથ અને કાલુપુરા સહિતના વિસ્તારોને લાભ મળવાનો છે.

પ્રોજેક્ટનો માર્ગ છત્રપતિ શિવાજી અતિથિ ગૃહથી ઢીંગલી સર્કલ થઈ ગાંધી નગરગૃહ અને સુરસાગરથી લહેરીપુરા ગેટ સુધીનો છે. આ કામગીરીથી આશરે 35 હજાર લોકોને સીધો લાભ મળવાનો છે.

ડ્રેનેજ લાઇન બદલવાનું કામ નવેમ્બરથી શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 35 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવાયું છે. ઢીંગલી સર્કલથી ગાંધી નગરગૃહ વચ્ચેના રોડ સ્ટ્રેચનું કામ 10 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.