વલસાડ જિલ્લાના વાપીમાં વડોદરાની યુવતીને મુંબઈની હોટેલમાં બોલાવી દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવ્યા બાદ તેની સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ મુંબઈથી પરત ફરતી વખતે વાપી નજીક યુવતીની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો.

ડુંગરા પોલીસે બે યુવકોને ઝડપી લીધા

પ્રાથમિક તપાસના આધારે વાપી ડુંગરા પોલીસે બે યુવકોને ઝડપી લીધા છે. કેસમાં સંડોવણી હોવાની શંકા ધરાવતા અન્ય ત્રણ યુવકો હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

પાંચેય યુવકો અલગ-અલગ શહેરના

ફરિયાદ અને પ્રાથમિક માહિતી પ્રમાણે કેસમાં કુલ પાંચ યુવકોનાં નામ સામે આવ્યા છે. તેમાં ચાર યુવકો સુરતના અને એક યુવક વડોદરાનો હોવાનું જણાવાયું છે. જોકે, તમામની ચોક્કસ ભૂમિકા અને ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.

ફરિયાદમાં યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. પોલીસે ઝડપાયેલા બંને યુવકોની પૂછપરછ, યુવતીનું નિવેદન, હોસ્પિટલના મેડિકલ રેકોર્ડ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી છે. આરોપોની અંતિમ પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.