વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં PCB પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે મીહીર ઉર્ફે હની નરેન્દ્રસિંહ ઠાકોર નામના 25 વર્ષીય આરોપીને પકડ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, ગાજરાવાડીના રંગમહાલ વિસ્તારમાં શારદા એવન્યુના મકાન નંબર 302માં કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી સાથે સંકળાયેલા વાડી સાંઈધામ ફ્લેટના મકાનની પણ તપાસ કરાઈ હતી.

તપાસ દરમિયાન બંને સ્થળેથી કુલ 244 બોટલ અને ટીન વિદેશી દારૂ તથા બિયર મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ.64,240 આંકવામાં આવી છે.

પોલીસે રૂ.5,000 કિંમતનો એક મોબાઇલ ફોન પણ કબજે લીધો છે. આમ, દારૂના જથ્થા અને મોબાઇલ સહિત કુલ રૂ.69,240નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દારૂનો જથ્થો કોની પાસેથી મળ્યો તેની તપાસ

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો કમો રાઠવા અને ખુલસીંગ રાઠવા નામના બે વ્યક્તિઓ પાસેથી મેળવ્યો હોવાનું બહાર આવ્યું હોવાનો પોલીસનો દાવો છે. આ જથ્થો છૂટક વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાની પણ પોલીસને શંકા છે. બંને વ્યક્તિઓની શોધખોળ અને વધુ તપાસ ચાલુ છે.