વડોદરા જિલ્લાના વાલણ પોલીસ મથક વિસ્તારના જુની સાયર ગામના 42 વર્ષીય ખેડૂત મહેન્દ્રભાઈ સાથે જૂની 5 રૂપિયાની નોટ ખરીદવાના બહાને સાયબર ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફેસબુક પર એક જાહેરાતમાં જૂની 5 રૂપિયાની નોટના બદલામાં રૂ.17 લાખ આપવાની વાત કરવામાં આવી હતી. ખેડૂત પાસે આવી બે નોટ હોવાથી તેમણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. બંને નોટ માટે કુલ રૂ.34 લાખ મળશે એવી આશામાં તેમણે નોટોના ફોટા વોટ્સએપથી મોકલ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, 6 ઓક્ટોબરે એક વ્યક્તિએ વોટ્સએપ કોલ કરીને બે નોટ લઈ જવા અને તેના બદલામાં રૂ.34 લાખનું પાર્સલ પહોંચાડવાની વાત કરી. પાર્સલ મેળવવા માટે રૂ.750 ફી માગવામાં આવી. ખેડૂતે મોકલવામાં આવેલા QR કોડ મારફતે આ રકમ ચૂકવી હતી.
પાર્સલ છોડાવવાના બહાને વધતી માગણી
બીજા દિવસે, 7 ઓક્ટોબરે, ફરી ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું કે પાર્સલ લઈને આવતો માણસ પકડાઈ ગયો છે અને તેને છોડાવવા રૂ.25,500 આપવા પડશે. રૂ.34 લાખ મળવાની આશામાં ખેડૂતે આ રકમ પણ ઓનલાઈન મોકલી હતી.
8 ઓક્ટોબરે વધુ એક ફોન આવ્યો. આ વખતે ફોન કરનારે તેમના માણસો પકડાયા હોવાનું કહી, પૈસામેળવવા માટે રૂ.53,000ની માગણી કરી. ફરિયાદ મુજબ, પાર્સલ ન પહોંચવાના અલગ-અલગ બહાના કરીને ઠગોએ વધુ નાણાં મોકલાવવા દબાણ કર્યું હતું.
ત્રણ દિવસ દરમિયાન ખેડૂતે ઓનલાઈન વ્યવહારો મારફતે કુલ રૂ.1,06,400 ચૂકવ્યા. વાયદા મુજબ પાર્સલ કે નાણાં ન મળતાં તેમને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો અને તેમણે વાલણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે સાયબર ઠગાઈના આ કેસમાં તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં દર્શાવેલી વિગતો હજુ તપાસનો વિષય છે.
