વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારની એક મહિલા એન્જિનિયર સાથે ફેક ઈ-ચલણની લિંક મારફતે સાયબર ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, તેમના બેંક ખાતાંમાંથી UPI દ્વારા કુલ રૂ. 4,58,312ની રકમ ઉપાડી લેવામાં આવી હતી. મહિલા ગોરવા વિસ્તારની એક કંપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરે છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 26 ઓક્ટોબર 2026ના રોજ સવારે 11:09થી બપોરે 2:19 દરમિયાન તેમના મોબાઇલ પર ‘AX-VAAHAN-S’ સબસ્ક્રાઇબર આઈડી પરથી ત્રણ SMS આવ્યા હતા. તેમાં તેમના વાહન નંબર GJ-06-RC-3894 સામે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈ-ચલણ થયું હોવાનો દાવો કરાયો હતો. લાઇસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણનો ઉલ્લેખ કરીને રકમ ભરવા અથવા RTO તથા કોર્ટમાં ખુલાસો કરવા માટે લિંક મોકલાઈ હતી.
લિંક ખોલ્યા બાદ ખાતાંમાંથી વ્યવહારો
મહિલાએ કામમાં વ્યસ્ત હોવાથી SMS આવ્યા ત્યારે લિંક ખોલી નહોતી. ફરિયાદ મુજબ, 31 ઓક્ટોબરની મોડી રાત્રે તેમણે મેસેજમાં આપેલી લિંક ખોલતાં ‘Mparivahan_NextGen.apk’ નામની ફાઇલ ડાઉનલોડ થઈ હતી. તેમણે ફાઇલ ઇન્સ્ટોલ કરીને જરૂરી પરવાનગીઓ પણ આપી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે 4 નવેમ્બરે ICICI અને HDFC બેંકનાં ખાતાંમાંથી તેમની જાણ બહાર વ્યવહારો શરૂ થયા હતા. બેંક તરફથી પુષ્ટિ માટે પાંચ વખત ફોન આવ્યો, પરંતુ તેઓ મીટિંગમાં હોવાથી ફોન લઈ શક્યાં નહોતાં. બાદમાં ખાતાં તપાસતાં ICICI બચત ખાતામાંથી રૂ. 1,19,000, રૂ. 1,62,362 અને રૂ. 96,950 તથા HDFC બચત ખાતામાંથી રૂ. 70,000 અને રૂ. 10,000 ઉપડ્યાનું જણાયું. આ રકમો મળીને રૂ. 4,58,312 થાય છે. તેમણે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
CERT-Inએ 17 માર્ચ 2026ની ચેતવણીમાં નકલી RTO/ઈ-ચલણ મેસેજ દ્વારા APK ફાઇલ ઇન્સ્ટોલ કરાવવાના જોખમ વિશે જણાવ્યું હતું. એજન્સીએ ચલણની વિગતો સત્તાવાર ઈ-ચલણ પોર્ટલ પર જ ચકાસવા અને SMS કે અજાણી વેબસાઇટ પરથી APK ઇન્સ્ટોલ ન કરવાની સલાહ આપી છે.
