વડોદરા નજીક નેશનલ હાઈવે પર ગિરનાર હોટલ પાસે આઈસર ટ્રકની ટક્કરે બાઈકસવાર પિતરાઈ ભાઈ-બહેનનાં મોત થયાં. અકસ્માત જાંબુવા અને તરસાલી બ્રિજ વચ્ચે બન્યો હતો. બાઈક ચલાવતા સુનિલ દુબેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ અર્પણાએ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
મળતી વિગતો મુજબ, સુરતના હજીરા વિસ્તારમાં રહેતો 24 વર્ષનો સુનિલ નવરાત્રિના ગરબા જોવા વડોદરા આવ્યો હતો. તે મકરપુરા વિસ્તારના સોનાપાર્કમાં રહેતા તેના કાકાના ઘરે રોકાયો હતો. સાંજે તે પોતાની પિતરાઈ બહેન અર્પણાને બાઈક પર બેસાડીને કપડાં ખરીદવા નીકળ્યો હતો. બંને ગિરનાર હોટલ નજીકથી પસાર થતાં પૂરપાટ ઝડપે આવી રહેલી આઈસરે તેમની બાઈકને ટક્કર મારી હતી.
ટક્કર બાદ બંને રસ્તા પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે સુનિલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અર્પણાને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું.
ચાલક સામે પોલીસ કાર્યવાહી
અકસ્મત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. આઈસર ચાલક ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. મૃતક અર્પણાની માતા લક્ષ્મીદેવી દુબેની ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ચાલક લક્ષ્મણલાલ તાબિયાડ સામે ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા હોવાથી તેની તબીબી તપાસ કરાવવામાં આવી છે. આ તપાસ અને અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અકસ્માત અંગે પોલીસની વધુ તપાસ ચાલુ છે.
