દિવાળીના તહેવારમાં ફટાકડાને કારણે આગ કે ઇજા ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગે નાગરિકો માટે સલામતી સૂચનાઓ જાહેર કરી છે. ફટાકડા ફોડતી વખતે બાળકોની સાથે વડીલો હાજર રહે અને આગ લાગે તો તરત ઉપયોગ કરી શકાય એવી પાણીની વ્યવસ્થા રાખે, એવી અપીલ કરાઈ છે.
બાળકો ફટાકડા ફોડે ત્યારે વડીલોએ તેમની નજીક રહી દેખરેખ રાખવી જોઈએ. ફટાકડા સળગાવતી વખતે તેનાથી સલામત અંતર જાળવવું અને સુતરાઉ કપડાં પહેરવાં. એક ફટાકડો સળગાવતી વખતે બીજા ફટાકડા તેની નજીક ન રાખવા. આકાશી ફટાકડા સાંકડી ગલીમાં ફોડવાને બદલે ખુલ્લા મેદાનમાં ફોડવાની સલાહ અપાઈ છે.
આસપાસની આગ પકડી શકે તેવી વસ્તુઓ હટાવો
ઘરની છત કે છાપરા પર પ્લાસ્ટિક, લાકડું, ગાદલાં, કાગળ, ઘાસ અથવા અન્ય જ્વલનશીલ સામાન ખુલ્લો ન રાખવો. ખુલ્લા પ્લોટમાં સામાન પડ્યો હોય તો તેની સફાઈ કરવી. આગની સ્થિતિમાં કામ આવે તે માટે પાણી ભરેલા ડ્રમ રાખવા પણ સૂચવાયું છે. વાહનો પર પ્લાસ્ટિકનાં જ્વલનશીલ કવર ઢાંકવાનું ટાળવું.
ફટાકડો સળગાવ્યા પછી ન ફૂટે તો તેની પાસે જવું નહીં અને તેને ફરી સળગાવવાનો પ્રયાસ પણ ન કરવો. આવા પ્રયાસથી ઈજા થઈ શકે છે. ફટાકડા ફોડતી વખતે પાણીની વ્યવસ્થા નજીક રાખવાથી આગની શરૂઆત થાય તો તાત્કાલિક પગલાં લેવામાં મદદ મળી શકે છે.
વિભાગે પ્રતિબંધિત વિસ્તારોમાં ફટાકડા ન ફોડવા અને રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવાનું ટાળવા જણાવ્યું છે. નાગરિકોને આ સૂચનાઓનું પાલન કરીને તહેવાર દરમિયાન આગ અને ઇજાના જોખમથી બચવા અપીલ કરાઈ છે.
