વડોદરામાં સાયબર ઠગાઈના બે અલગ બનાવમાં બેન્ક ખાતાંમાંથી મોટી રકમ ઉપડી ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગોરવા વિસ્તારમાં રહેતી સંગીતાબેન તંબાળીએ તેમના ખાતામાંથી રૂ.3.89 લાખ ઉપડ્યાની ફરિયાદ કરી છે. બીજી ઘટનામાં, હરણી રોડ પર રહેતા ચિરાગ રમેશચંદ્ર સુરાએ રૂ.2,700ના રિફંડ માટે કસ્ટમર કેરનો નંબર શોધ્યા બાદ રૂ.64,011 ગુમાવ્યા હોવાનું પોલીસને જણાવ્યું છે.

સંગીતાબેનના જણાવ્યા મુજબ, 12મીએ બપોરે ખાતાનું બેલેન્સ તપાસતાં તેમને શંકા ગઈ હતી. ગોરવામાં કેનેરા બેન્કની શાખામાં તપાસ કરતાં એ જ દિવસે તેમના ખાતામાંથી ત્રણ વ્યવહારો થયેલા જણાયા, જે તેમણે કર્યા નહોતા. તેમણે સાયબર સેલને જાણ કરી. તપાસ દરમિયાન તેમના મોબાઇલમાં 14 જુલાઈએ ‘ફાસ્ટટેગ સર્વિસ APK’ નામની ફાઇલ આવી હોવાનું જાણવા મળ્યું. આ ફાઇલને કારણે ફોન હેક થયો હોવાની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી છે.

રિફંડ માટે સંપર્ક કર્યા બાદ બે વ્યવહાર

ચિરાગ સુરાએ પોલીસને જણાવ્યું કે 4મીએ નિઝામપુરાની બેન્ક ઓફ બરોડા શાખામાં પાસબુકમાં એન્ટ્રી પડાવતાં રૂ.2,700ની એક એન્ટ્રી અંગે તેમને શંકા ગઈ હતી. PhonePeની હિસ્ટ્રીમાં તે વ્યવહાર ન દેખાતાં તેમણે રિફંડ મેળવવા UPI કસ્ટમર કેરનો નંબર શોધીને ફોન કર્યો.

ફોન પર વાત કરનાર વ્યક્તિએ તેમને Play Storeમાંથી ‘Help Desk Host’ એપ ડાઉનલોડ કરાવી અને સ્ક્રીન શેર કરાવ્યું. ત્યારબાદ કોડ દાખલ કરાવી બે વખત PIN નાખવાનું કહ્યું. સામેની વ્યક્તિએ ખાતું બીજી બેન્ક સાથે પણ જોડાયેલું હોવાનું કહેતાં ચિરાગને શંકા ગઈ અને તેમણે ફોન કાપી નાખ્યો. જોકે, થોડા સમય પછી ખાતું તપાસતાં બે વ્યવહારો દ્વારા રૂ.64,011 ઉપડી ગયેલા જણાયા. આ મામલે હરણી પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંને ફરિયાદોમાં પોલીસે અનધિકૃત વ્યવહારોની તપાસ હાથ ધરી છે.