વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા 45 વર્ષીય વેપારીના બેંક ખાતામાંથી રૂ. 90,000ની કથિત રીતે ગેરકાયદે રીતે રકમ ટ્રાન્સફર થઈ હોવાની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદી અજયા લિમ્બાચિયાએ જણાવ્યું છે કે બેંક એપ અપડેટ કરાવ્યા બાદ તેમના ખાતામાંથી Google Pay મારફતે બે અનધિકૃત ટ્રાન્ઝેક્શન થયા હતા.
ફરિયાદ મુજબ, અજયા લિમ્બાચિયા Bank of Barodaના ખાતાનો ઉપયોગ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોવા માટે કરતા હતા. 24 ઓગસ્ટ, 2025ના રોજ બપોરના સમયે તેઓ બેંકની શાખામાં ગયા હતા અને મોબાઇલ એપ યોગ્ય રીતે કામ કરતી ન હોવાની જાણ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બેંકના એક કર્મચારીએ તેમને BOB મોબાઇલ એપનું નવું વર્ઝન બહાર પડ્યું હોવાનું કહી તે ડાઉનલોડ કરવાની સલાહ આપી હતી. ફરિયાદી સંમત થયા બાદ તેમના મોબાઇલમાં લોગિન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન ફોનમાં આપમેળે સિસ્ટમ અપડેટ શરૂ થયું હતું. અપડેટને મંજૂરી આપ્યા બાદ ફોન લગભગ 25 મિનિટ સુધી અપડેટ મોડમાં રહ્યો હતો. ફરિયાદ મુજબ આવી પ્રક્રિયા વધુ બે વખત થઈ હતી અને આશરે દોઢ કલાક બાદ મોબાઇલ ફરી ઉપયોગમાં લઈ શકાયો હતો.
ખાતામાંથી બે અનધિકૃત ટ્રાન્ઝેક્શન
બેંકમાંથી નીકળ્યા બાદ ફરિયાદી ભાયલી વિસ્તારમાં નવો મોબાઇલ ખરીદવા ગયા હતા. ત્યાં ચુકવણી કરતી વખતે તેમને જાણ થઈ કે ખાતામાં રૂ. 90,945ની જગ્યાએ માત્ર રૂ. 945 બાકી રહ્યા હતા.
ફરિયાદ મુજબ, ખાતામાંથી રૂ. 50,000 અને રૂ. 40,000ના બે ટ્રાન્ઝેક્શન Google Pay મારફતે કરવામાં આવ્યા હતા. રૂ. 50,000નું ટ્રાન્ઝેક્શન રાહુલ યાદવના નામે, જ્યારે રૂ. 40,000નું ટ્રાન્ઝેક્શન Mr Omprakashના નામે દર્શાયું હતું.
પોલીસ અને સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ
ટ્રાન્ઝેક્શનની જાણ થતાં ફરિયાદી તરત જ બેંકમાં પરત ફર્યા અને અધિકારીઓને માહિતી આપી હતી. તેમને પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી હતી.
ત્યારબાદ તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસને લાભાર્થીના ખાતા નંબર તથા IFSC કોડ પણ આપવામાં આવ્યા છે. ફરિયાદના આધારે પોલીસ સમગ્ર ટ્રાન્ઝેક્શન અને એપ અપડેટની પ્રક્રિયાની તપાસ કરી રહી છે.
