વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આસોજ ગામ પાસે શનિવારે વહેલી સવારે ડમ્પરમાં આગ લાગવાની ઘટના બની હતી. ડેસરથી કપચી ભરીને વડોદરા તરફ જઈ રહેલા ડમ્પરમાં આસોજ રેલવે ઓવરબ્રિજ નજીક અચાનક આગ ભભૂકી ઊઠી હતી.
આગ લાગતાં ડમ્પરના આગળના ભાગમાં જ્વાળાઓ ફેલાઈ હતી. ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોમાં દોડધામ મચી અને સ્થળ પર રાહદારીઓનું ટોળું એકઠું થયું હતું.
ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી
ડમ્પરમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ડમ્પરના આગળના ભાગને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં મંજુસર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગ પર વાહનવ્યવહારને નિયંત્રિત કર્યો હતો.
શોર્ટ સર્કિટની પ્રાથમિક આશંકા
પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ જરૂરી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડમ્પરચાલકનો બચાવ થયો હતો.
