નળ સરોવરમાં લાંબા વિરામ બાદ બોટિંગ ફરી શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. પ્રવાસીઓ માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડે નક્કી કરેલા સ્પેસિફિકેશન મુજબ 230 બોટ મળવાની છે. તેમાંની કેટલીક આવી ગઈ છે, જ્યારે બાકીની ટૂંક સમયમાં મળવાની છે. બોટિંગ સેવા શરૂ થાય ત્યારે પ્રવાસીઓને બોટમાં બેસીને પક્ષીદર્શન કરવાની તક મળશે.
બોટમેન માટે એક મહિનાની તાલીમ
બોટિંગ અંગેના નવા નિયમો મુજબ બોટ ચોક્કસ માપદંડની હોવી અને તેને ચલાવતા લોકો તાલીમબદ્ધ હોવા જરૂરી છે. બોટ ચલાવવાની કામગીરી મશીનથી નહીં, માણસો દ્વારા થશે. અગાઉ નળ સરોવરમાં બોટમેન પોતાની રીતે બોટની વ્યવસ્થા કરતા હતા; નવી વ્યવસ્થામાં બોટના સ્પેસિફિકેશન અને સંચાલન પર નિયંત્રણ રહેશે.
ગોવામાં આવેલી ભારત સરકારના પ્રવાસન મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સના ટ્રેનર્સે બોટમેનની તાલીમ શરૂ કરી છે. અગાઉ અહીં આશરે 280થી 282 બોટમેન હતા. બોટિંગ બે-ત્રણ વર્ષથી બંધ રહેતાં કેટલાક અન્ય વ્યવસાયમાં જોડાયા છે. હવે બોટિંગ કરવા ઇચ્છુક 360 લોકોએ ફોર્મ ભર્યાં છે. તેમની 50-50 લોકોની બેચ બનાવી એક મહિના સુધી તાલીમ અપાશે. તાલીમમાં સફળ થનારને મેરિટના આધારે બોટિંગની મંજૂરી આપવાનું આયોજન છે. અગાઉનો અનુભવ ધરાવતા બોટમેનને પ્રાથમિકતા આપવાની પણ યોજના છે.
નવી બોટની મહત્તમ ક્ષમતા આશરે 8 વ્યક્તિની રહેશે. એક બોટમાં 8થી વધુ લોકોને બેસાડવામાં નહીં આવે. બોટમાં સુરક્ષા માટે જરૂરી સુવિધા હશે; તે વિના બોટને સરોવરમાં જવા દેવામાં નહીં આવે.
બે જેટી વચ્ચે આશરે એક કલાકનો પ્રવાસ
પ્રવાસીઓ કાયલા તરફના પ્રવેશદ્વાર પાસેની જેટીથી બોટમાં બેસશે. નક્કી કરેલા માર્ગે બોટ વચ્ચે આવેલા બેટની બાજુથી પસાર થઈ બીજી જેટી સુધી જશે. આ જેટી ઇન્ટરપ્રિટેશન સેન્ટર અને અન્ય સુવિધાઓ પાસે છે. ત્યાં ઊતરીને પ્રવાસીઓ કેન્દ્ર તથા આસપાસની સુવિધાઓ જોઈ શકશે. ત્યારબાદ તેઓ બીજી જેટી પરથી બોટમાં બેસી શરૂઆતના સ્થળે પાછા ફરશે. સમગ્ર બોટિંગ પ્રવાસ આશરે એક કલાકનો રહેશે.
બોટિંગ માટે ત્રણ સ્લોટ રાખવાનું આયોજન છે. ઉપલબ્ધ ક્ષમતા અને પ્રવાસીઓની સંખ્યા પ્રમાણે સેવા અપાશે; માર્ગ અને બોટની ક્ષમતા પણ નક્કી કરવામાં આવશે. અગાઉ પ્રવાસીઓ બોટમેનને સીધું ચૂકવતા અને દરમાં ફેરફાર થતો. નવી વ્યવસ્થામાં કમિટીએ પ્રતિ વ્યક્તિ ₹500 ચાર્જ નક્કી કર્યો છે.
ટિકિટિંગ, પાર્કિંગ અને સાયકલિંગ
નળ સરોવર પ્રવાસ માટે ઓનલાઈન બુકિંગ શરૂ થયું નથી, જોકે તેની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રવાસની ટિકિટ અને બોટ માટેની ચુકવણી અલગ વ્યવસ્થાઓ હેઠળ રહેશે. બોટ માટે તાત્કાલિક ઓનલાઈન બુકિંગની સુવિધા નથી. સ્થળ પર ટિકિટ કાઉન્ટર તૈયાર કરાયું છે.
પ્રવાસીઓ માટે પાર્કિંગ અને સ્થાનિક લોકોના સહયોગથી કેન્ટિનની વ્યવસ્થા પણ કરવાની યોજના છે. સાયકલ ઉપલબ્ધ કરાવાશે, જેથી પ્રવાસીઓ 2થી 3 કિલોમીટર સુધી સાયકલિંગ કરી શકે. નળ સરોવર 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહે છે અને 16 ઓક્ટોબરથી ફરી પ્રવાસીઓ માટે ખૂલે છે. શિયાળામાં યાયાવર પક્ષીઓ આવતાં હોવાથી ઓક્ટોબર-નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય પક્ષીદર્શન માટે મુખ્ય પ્રવાસી મોસમ ગણાય છે.
