વડોદરા જિલ્લાના કરજણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડા પાડીને ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયર સહિત કુલ રૂ.50,21,999નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂના જથ્થાની કિંમત રૂ.26,61,999 ગણાવવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે.
ટીમે કરજણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અનેક સ્થળે કાર્યવાહી કરી હતી. તેમાં કરજણ ગામના એસ.ટી. ડેપો સામેના ઠાકોરવાસમાં પાર્ક કરેલાં વાહનો, જોગણી માતા મંદિર નજીકનો વિસ્તાર, આરોપીઓનાં ઘર અને એક રહેણાક સોસાયટીનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન કુલ 11 વાહનો, પાંચ મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરાઈ હતી.
ત્રણ આરોપીની ધરપકડ, ત્રણની શોધખોળ
કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ મહેન્દ્રકુમાર જીતુભાઈ ઠાકોર, પ્રશાંતકુમાર વિસરામભાઈ શંખલા અને અક્ષયકુમાર જસવંતભાઈ વસાવા છે. ત્રણેય કરજણના રહેવાસી હોવાનું જણાવાયું છે. બાકીના વોન્ટેડ આરોપીઓમાં કરજણનો ચિરાગ રાજુભાઈ ઠાકોર, ડી.કે. તરીકે ઓળખાતો એક અજાણ્યો શખ્સ અને જપ્ત વાહનોના માલિકો અથવા કબજેદારોનો સમાવેશ થાય છે.
આ મામલે છ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા અને આગળની તપાસ કરવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. જપ્ત કરાયેલાં વાહનો તથા અન્ય વસ્તુઓની કિંમત સાથે કુલ મુદ્દામાલનું મૂલ્ય રૂ.50,21,999 છે.
