ગુજરાત હાઇકોર્ટે વડોદરા કલેક્ટરના સોગંદનામામાં ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના તત્કાલીન ઇન્ચાર્જ ચેરમેન અંગે કરાયેલા ઉલ્લેખ સામે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે આ વિગતોને બિનજરૂરી ગણાવી અને કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ તે ન્યાયિક અધિકારી પર આક્ષેપ સમાન છે. કલેક્ટરે માફી માગી હતી, પરંતુ કોર્ટે તેને યાંત્રિક ગણાવી સ્વીકારવાનો ઇનકાર કર્યો. હવે મામલો કન્ટેમ્પ્ટ બેન્ચ સમક્ષ મોકલવામાં આવ્યો છે.
આ કેસમાં અરજદારે ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 હેઠળ બિનખેતી (NA) ઉપયોગની પરવાનગી માટે કરેલી અરજી કલેક્ટરે 17 ઑગસ્ટના આદેશથી મોકૂફ રાખી હતી. રેવન્યુ ટ્રિબ્યુનલમાં કેટલીક રિવિઝન અરજીઓ બાકી હોવાનું આ માટેનું કારણ દર્શાવાયું હતું. ન્યાયમૂર્તિ નિરલ આર. મહેતાએ અગાઉ આ આદેશનો આધાર સમજાવતું સોગંદનામું રજૂ કરવા કલેક્ટરને કહ્યું હતું.
સોગંદનામામાં અગાઉના કેસનો ઉલ્લેખ
6 ઑક્ટોબર, 2026ના સોગંદનામામાં કલેક્ટરે જમીનનો અગાઉનો ઇતિહાસ રજૂ કર્યો હતો. હાઇકોર્ટના અવલોકન મુજબ, અરજી કલમ 65 હેઠળની હતી; તે રેવન્યુ કે ભાડૂઆત સંબંધિત કાર્યવાહી નહોતી. તેથી આ પૃષ્ઠભૂમિ અહીં અપ્રસ્તુત હતી.
સોગંદનામાના 17મા ફકરામાં કલેક્ટરે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના તત્કાલીન ન્યાયિક સભ્ય અને ઇન્ચાર્જ ચેરમેનનો ઉલ્લેખ કર્યો હતો. રિવિઝન અરજીઓનો નિકાલ 1 મે, 2024ના આદેશથી થયો હોવા છતાં, તે આદેશ આપનાર અધિકારી સામે અન્ય કેસમાં હાઇકોર્ટે કડક અવલોકનો કર્યા હતા—એવી દલીલ સાથે આદેશનું મહત્ત્વ ન હોવાનું સૂચવાયું હતું.
હાઇકોર્ટે કહ્યું કે કોઈ ન્યાયિક આદેશ સામે વાંધો હોય તો કાયદામાં ઉપલબ્ધ માર્ગે તેને પડકારી શકાય; અલગ કેસમાં આદેશ આપનાર અધિકારી વિશે થયેલી ટિપ્પણીઓના આધારે તેનો અનાદર કરી શકાય નહીં. આદેશ કાયદેસર રીતે રદ ન થાય ત્યાં સુધી તેની અસર રહે છે, એવું કોર્ટે સ્પષ્ટ કર્યું. કલેક્ટર એટલું કહી શક્યા હોત કે ટ્રિબ્યુનલના આદેશની નોંધ ઑનલાઇન પોર્ટલ પર દેખાતી નહોતી, પરંતુ તેના બદલે અધિકારીનું નામ અને કેસનો ઇતિહાસ સોગંદનામામાં રજૂ કરાયો, એમ કોર્ટે નોંધ્યું.
માફી અને આગળની કાર્યવાહી
હાઇકોર્ટે કલેક્ટરની માફીને યાંત્રિક ગણાવી, કારણ કે તેમાં સાચા પસ્તાવાની લાગણી કે આવું ફરી નહીં બને તેની ખાતરી જણાતી નહોતી. કોર્ટે એ પણ નોંધ્યું કે કલેક્ટર દ્વારા NA પરવાનગી સંબંધિત ડઝનેક આદેશો સામે કેસ આવ્યા છે અને કાયદાના સિદ્ધાંતોને અવગણીને અરજીઓનો નિકાલ કરાયો હોવાનો તેનો અભિપ્રાય છે.
મામાને કન્ટેમ્પ્ટ બેન્ચ સમક્ષ મોકલતાં પહેલાં કોર્ટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને કલેક્ટર સામે સૂચિત પગલાં અંગે જાણ કરવા નિર્દેશ આપ્યો. કેસની આગામી સુનાવણી 27 નવેમ્બરે રાખવામાં આવી છે.
