વડોદરા જિલ્લાના ડભોઈ નજીક વેગા અને પલાસવાડા ગામની સીમમાં રસ્તાની બાજુએ કાળા રંગના કેમિકલથી ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકાયેલી મળી આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને પોલીસની તપાસ બાદ આ મામલે ત્રણ કન્ટેનરના ચાલકો તથા પાદરા તાલુકાની નોવોસિસ ગ્રીન ટેકનોલોજી કંપનીના જવાબદાર સંચાલક સામે ગુનો નોંધાયો છે. રોડની બાજુએ મળેલા કેમિકલને FSLના અહેવાલમાં હેઝાર્ડસ વેસ્ટ ગણાવાયું છે.
વેગા બ્રિજથી ટીંબી ફાટક સુધીના માર્ગ પર અને પલાસવાડા ગામની સીમમાં આશરે એક મહિના પહેલાં કેમિકલની થેલીઓ મળી હતી. તેમાંથી આવતી તીવ્ર દુર્ગંધથી રાહદારીઓ, વાહનચાલકો અને આસપાસનાં ગામોના લોકો પરેશાન થયા હતા. ફરિયાદ બાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછમાં કન્ટેનરચાલક ગયાપ્રસાદ વિશ્વાસ કેવટે કેમિકલ ફેંક્યાની કબૂલાત કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. કેવટ મધ્યપ્રદેશના સિદ્દી જિલ્લાના બજરંગગઢનો રહેવાસી છે. તેના જણાવ્યા મુજબ, 3 સપ્ટેમ્બરે કન્ટેનરમાં મુંબઈના રાયગઢ વિસ્તારના નવાસોવા પોર્ટથી કેશ્યુ નટ શેલ લિક્વિડ (CNSL) લઈ પાદરા તાલુકાના એકલબારા ગામની સીમમાં આવેલી કંપનીમાં પહોંચાડ્યું હતું. કંપનીએ વધેલું કાળું પ્રવાહી ભરેલી થેલીઓ ત્યાં ઉતારી ન લેતાં, ડભોઈ રેતી ભરવા જતી વખતે તેણે રસ્તામાં ફેંકી દીધી હતી. કેવટે આ પગલું કન્ટેનરમાલિક નામદેવ શંકર ગોખલેના કહેવા મુજબ લીધું હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું.
ડભોઈનાં CCTV ફૂટેજમાં અન્ય બે કન્ટેનર પણ કેમિકલ ઠાલવતાં દેખાયા હતા. તેમના ચાલકોનાં નામ સલમાન અને ઉરમાન હોવાનું તપાસમાં જાણવા મળ્યું. પોલીસે એકલબારા ખાતે કંપનીમાં તપાસ કરતાં કેમિકલના સ્લજનો કાયદેસર નિકાલ કરવાની જવાબદારી કંપનીની હોવાનું સામે આવ્યું. FSLના અહેવાલે રસ્તાની બાજુએ મળેલા કેમિકલને હેઝાર્ડસ વેસ્ટ તરીકે ઓળખાવ્યું. ફરિયાદના આધારે પોલીસે ત્રણેય કન્ટેનરચાલકો અને કંપનીના જવાબદાર માલિક-સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
