વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ટાવરમાંથી તાંબાના વાયર ચોરી કરવાના આરોપમાં અમદાવાદના વિશાલ રાજપૂતની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે છેલ્લા 7થી 8 મહિનાથી ગુજરાતના 10થી વધુ જિલ્લાઓમાં ટાવરોને નિશાન બનાવતો હતો. તેની ધરપકડથી વાયર ચોરીના 12થી વધુ કેસ ઉકેલાયા હોવાનો પોલીસનો દાવો છે.

વાઘોડિયા બ્રિજ પાસે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે બાઇક પર જતા વિશાલને રોક્યો હતો. પોલીસને તેની પાસેથી તાંબાના વાયર અને વાયર કાપવાનું સાધન મળ્યું. વાયરો અંગે તે સંતોષકારક ખુલાસો ન આપી શકતાં પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ પોલીસે તેની પાસેથી શરૂઆતમાં આશરે 40 મીટર કેબલ જપ્ત કર્યા હતા. વધુ તપાસમાં અગાઉ ચોરાયેલા બીજા 77 મીટર વાયર મળ્યા. આમ કુલ 117 મીટર તાંબાના વાયર જપ્ત કરાયા છે. બાઇક, મોબાઈલ ફોન અને વાયર કાપવાનું સાધન પણ કબજે લેવાયું છે.

અનેક તાલુકાઓમાં ટાવરો નિશાન બન્યાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ કરજણ, ખેડા જિલ્લાના કઠલાલ અને કપડવંજ, દહેગામ તથા મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોરી કરી હતી. કરજણ તાલુકાનાં લાકોદરા અને બામણગામ, દુમાદ એક્સપ્રેસવે બ્રિજ નજીક, પોરડા-ફાગવેલ, કઠલાલ-નડિયાદ રોડ ઓવરબ્રિજ પાસે, સોરણા, વાહેલાલ અને દહેગામ સહિતનાં સ્થળોનો પણ તપાસમાં ઉલ્લેખ થયો છે. મહેસાણા હાઈવે તેમજ કંચનપુરા, સુખપુરા અને રાજગઢ આસપાસના વિસ્તારોમાં પણ ટાવરના વાયર ચોર્યાનો આરોપ છે.

પોલીસના કહેવા પ્રમાણે, આરોપી પ્લાયરથી કેબલ કાપીને વેચી દેતો હતો. તેની સામે કરજણ, કઠલાલ અને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીના ત્રણ કેસ નોંધાયેલા છે. અમદાવાદ ગ્રામ્યના અસલાલી, સાણંદ GIDC અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાયર ચોરીના બીજા ત્રણ કેસોમાં પણ તેની અગાઉ ધરપકડ થઈ હતી.

પોલીસ રેકોર્ડ મુજબ, વિશાલ મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના ઉસ્કા ગામનો છે અને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી અને જપ્ત કરેલો મુદ્દામાલ વધુ તપાસ માટે કરજણ પોલીસને સોંપ્યો છે. અન્ય ચોરીઓમાં તેની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું.