વડોદરાની EME સ્કૂલથી ભારતીય સેનામાં થઈ રહેલા ટેક્નોલોજીકલ પરિવર્તન અને આધુનિકીકરણ અંગે યુવાનોમાં જાગૃતિ ફેલાવવા માટે બાઈક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ‘Ride with Pride – EME Towards Technological Transformation’ નામના આ અભિયાનને 5 ઓક્ટોબર 2026ના રોજ EME સ્કૂલના કમાન્ડન્ટ મેજર જનરલ મોહિત ગાંધીએ લીલી ઝંડી આપી હતી.

અભિયાનમાં Corps of Electronics and Mechanical Engineers (EME)ના 12 રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે. ટીમ વડોદરાથી નવી દિલ્હી સુધી કુલ 1,250 કિમીનું અંતર કાપશે. આ યાત્રા અમદાવાદ, ઉદયપુર, જોધપુર અને જયપુર થઈને નવી દિલ્હી પહોંચશે.

યુવાનો સાથે સીધો સંવાદ

અભિયાનનો મુખ્ય હેતુ દેશના યુવાનો સાથે જોડાઈને ભારતીય સેનામાં ટેક્નોલોજીના વધતા ઉપયોગ, આધુનિક સાધનો અને ટેક્નોલોજી આધારિત ક્ષમતાઓ વિશે માહિતી પહોંચાડવાનો છે. રૂટમાં આવતા શહેરોમાં રાઇડર્સ યુવાનો અને સ્થાનિક લોકો સાથે સંવાદ કરશે.

આ મુલાકાતો દરમિયાન સેનાની સિસ્ટમોના જાળવણી અને આધુનિકીકરણમાં EMEની ભૂમિકા અંગે પણ સમજ આપવામાં આવશે. અભિયાન દ્વારા સેનામાં બદલાતી ટેક્નોલોજી અને તેના કારણે ઉભી થતી નવી તકનીકી ક્ષમતાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી ખાતે સમાપન

વડોદરાથી શરૂ થયેલી આ બાઈક યાત્રા પશ્ચિમ અને ઉત્તર ભારતના વિવિધ શહેરોમાંથી પસાર થઈને નવી દિલ્હી ખાતે પૂર્ણ થશે. 1,250 કિમીનું આ અભિયાન સૈન્યની ટેક્નોલોજીકલ ક્ષમતાઓ અંગે જાહેર જાગૃતિ સાથે યુવાનોને સેનાની તકનીકી કામગીરી અને કારકિર્દીની તકો વિશે માહિતગાર કરવા પર કેન્દ્રિત છે.