વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં પોલીસે બે એક્ટિવામાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. બંને વાહનોમાંથી કુલ 455 બોટલ મળી આવી હતી. પોલીસે આ કેસમાં છોટાઉદેપુર જિલ્લાના બે રહેવાસીની ધરપકડ કરી છે અને દારૂ, બે એક્ટિવા તથા બે મોબાઇલ ફોન મળીને કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાપોદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે બે શખ્સો એક્ટિવા મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈ જવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને વાહનોને અટકાવ્યાં હતાં. તપાસ દરમિયાન એક્ટિવાના અલગ-અલગ ભાગોમાં ખાસ બનાવેલા ચોરખાનાંમાંથી દારૂની બોટલો મળી આવી હતી.

બે વાહનોમાં બનાવ્યાં હતાં ખાસ ચોરખાનાં

પોલીસે GJ-06-PM-5003 અને GJ-23-DB-7712 નંબરની બે એક્ટિવા કબજે કરી છે. વાહનોની બોડી તથા અંદરના ભાગોમાં એવી રીતે જગ્યાઓ બનાવવામાં આવી હતી કે બહારથી તે સામાન્ય મોપેડ જેવા દેખાતા હતા. તપાસ દરમિયાન આ છુપાવેલી જગ્યાઓમાંથી એક પછી એક બોટલો મળી આવી હતી.

જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.91,000 હોવાનું જણાવાયું છે. દારૂ ઉપરાંત બંને એક્ટિવા અને બે મોબાઇલ ફોનનો સમાવેશ કરતાં કુલ જપ્તીનો આંકડો રૂ.1.41 લાખ થયો છે.

છોટાઉદેપુરના બે આરોપી ઝડપાયા

પોલીસે અલ્કેશ અરવિંદભાઈ રાઠવા, રહે. ખોરવાણીયા, છોટાઉદેપુર અને સુનિલ પ્રતાપભાઈ રાઠવા, રહે. લગામી, છોટાઉદેપુરની ધરપકડ કરી છે. બંને સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોડકા ગામની લક્ષ્મીબેન અર્જુનભાઈ માળી નામની મહિલાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની માહિતી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ દાવાની તપાસ ચાલી રહી છે. પોલીસે દારૂનો જથ્થો મોકલનાર કથિત મુખ્ય સપ્લાયર અને જથ્થો મંગાવનાર મહિલાને શોધવા માટે તપાસ આગળ ધપાવી છે. અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.