મહેસાણા જિલ્લાના વડનગરમાં તાના-રીરી મહોત્સવનો આજથી બે દિવસ માટે પ્રારંભ થશે. 19 અને 20 નવેમ્બરે ઘાસકોર દરવાજા નજીક આવેલા તાના-રીરી સ્મારક સ્થળે યોજાનારા આ કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીત અને લોકકલાની રજૂઆતો થશે. બંને દિવસ કાર્યક્રમ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે.

આ વર્ષના તાના-રીરી એવોર્ડ માટે હેતલ મહેતા જોશી અને માલિની અવસ્થીની પસંદગી થઈ છે. સંગીત ક્ષેત્રે યોગદાન બદલ બંને કલાકારોને મહોત્સવ દરમિયાન સન્માનિત કરવામાં આવશે.

પ્રથમ દિવસની રજૂઆતો

19 નવેમ્બરે ગાયિકા સૂર્યા ગાયત્રી શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. ત્યારબાદ પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ અને કુમારેશ રાજગોપાલનની શાસ્ત્રીય જુગલબંધી યોજાશે. પ્રથમ દિવસના કાર્યક્રમમાં હાર્દિક દવે લોકકલાની રજૂઆત કરશે.

બીજા દિવસે ગાયન અને વાદન

20 નવેમ્બરે પંડિત જયતીર્થ મેવુન્ડી શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. પંડિત પૂર્વાયન ચેટર્જી અને તેમનું વૃંદ વાદન કરશે, જ્યારે ભૌમિક શાહ લોકકલાની પ્રસ્તુતિ આપશે.

તાના અને રીરી વડનગરની બે બહેનો હતી. તેમની સાથે જોડાયેલી લોકકથા પ્રમાણે, તાનસેન રાગ દીપક ગાયા પછી દાહથી પીડાતા હતા ત્યારે બંને બહેનોએ રાગ મલ્હાર ગાઈ તેમને રાહત આપી હતી. આ ગાથા અને તેમની સંગીતસાધનાની સ્મૃતિમાં મહોત્સવ યોજાય છે. કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે.