બનાસકાંઠાના થરાદમાં અંગત અદાવતને લઈને જાહેરમાં તોડફોડ અને બાઈક સવાર પર હુમલો કરવાના કેસમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. 5 ઓક્ટોબર 2026ની રાત્રે આશરે 10 વાગ્યે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, થાર અને સ્વીફ્ટ કારમાં આવેલા શખ્સોએ બાઈક સવાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન બાઈક સહિત અન્ય વાહનમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો વાયરલ થતાં થરાદ પંથકમાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
વાયરલ વીડિયોના આધારે તપાસ
ફરિયાદી દ્વારા આપવામાં આવેલી માહિતી અને સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોને આધારે થરાદ પોલીસ તથા LCBની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોમાં શાહરૂખ ઉર્ફે બબો રહેમાન ઘાંચી તથા તેના સાથીદારો તોડફોડ કરતા જોવા મળ્યા હતા.
તપાસ દરમિયાન શરૂઆતમાં ત્રણ શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ એક શખ્સની સંડોવણી સામે આવતા પ્રતીક ઉર્ફે પોલો પારેગીની પણ અટકાયત કરવામાં આવી હતી. આ રીતે કેસમાં કુલ ચાર આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
અગાઉના ગુનાઓની પણ તપાસ
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓ પૈકી શાહરૂખ ઉર્ફે બબો રહેમાન ઘાંચી સામે અગાઉ બે ગુના નોંધાયેલા છે. ચમન વજીર સામે અગાઉ અલગ-અલગ આઠ ગુના નોંધાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વીડિયો અને ફરિયાદના આધારે ઘટનામાં સામેલ અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે નહીં, તે અંગે પણ તપાસ ચાલુ છે.
