તાપી જિલ્લા કોંગ્રેસે મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને ચૂંટણી પંચની સ્વાયત્તતાના હનનના આરોપોને લઈને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે મોકલવામાં આવ્યું હતું.
કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા 10 મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના એકપક્ષીય નિર્ણયો સામે અન્ય બે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ 14 વખત વાંધો ઉઠાવ્યો હતો. પક્ષે દાવો કર્યો કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન કરીને કેટલાક મતદારોનાં નામ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા અને નવા નામ ઉમેરવામાં આવ્યા.
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે દિલ્હીમાં ચૂંટણી પંચની IT સિસ્ટમનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક અધિકારીઓની સ્વાયત્તતા બાયપાસ થઈ છે. આ મુદ્દે મતદાર યાદીમાં થયેલા ફેરફારો અને IT સિસ્ટમના કેન્દ્રીકરણની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
પક્ષે સુપ્રીમ કોર્ટના કાર્યરત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્વતંત્ર SIT રચવાની માગણી કરી છે. સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી દૂર કરી, કથિત ગુનાહિત કાવતરાના આરોપમાં કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.
આ રજૂઆત દરમિયાન વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
