મોરબી જિલ્લાના ટંકારા-લતીપર રોડ પર હીરાપર ગામ નજીક કારની ટક્કરથી બાઇક પર સવાર બે વર્ષના કાર્તિકનું મોત થયું હતું. બાઇક પર કુલ છ લોકો હતા; અકસ્માતમાં અન્ય પાંચને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ટક્કર બાદ કારચાલક સ્થળેથી ફરાર થયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટના 17 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યે બની હતી. ફરિયાદી સંજુ ઉર્ફે વિજય વેસ્તાભાઈ પચાયા પોતાની પત્ની સુમિત્રા, ચાર વર્ષની પુત્રી રવીના, બે વર્ષના પુત્ર કાર્તિક તેમજ તેમની સાથે કામ કરતાં સેજલબેન અને તેમના એક વર્ષના પુત્ર આર્યન સાથે સરાયા ગામેથી ટંકારા તરફ જઈ રહ્યા હતા. તેઓ GJ-33-E-7973 નંબરની બાઇક પર સવાર હતા.

કેનાલ પાસે બાઇકને પાછળથી ટક્કર

હીરાપર ગામના પાટિયાથી આશરે દોઢ કિલોમીટર આગળ કેનાલ નજીક પહોંચતાં પાછળથી આવતી અજાણી કાર બાઇક સાથે અથડાઈ હતી. ટક્કરથી બાઇક પર સવાર તમામ લોકો રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં કાર્તિકને ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સંજુભાઈ, સુમિત્રા, રવીના, સેજલબેન અને આર્યનને છોલાવા સહિતની સામાન્ય ઇજાઓ થઈ હતી. અહેવાલ મુજબ, અકસ્માત બાદ કારચાલક ટંકારા તરફ કાર લઈને નાસી ગયો હતો. પોલીસ ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક અંગે તપાસ કરી રહી છે.