મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે કાર પલટી ખાઈ વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાતાં બે યુવકોનાં મોત થયાં અને એક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માત 14 નવેમ્બરની વહેલી સવારે થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના માધાપર વિસ્તારમાં રહેતા જીવણભાઈ ડાભી (35), અમન બાબરિયા (25) અને પ્રભાત લામકા (28) સ્વિફ્ટ કારમાં રાજકોટથી મોરબી તરફ આવી રહ્યા હતા. હોટલ પાસે કાર રસ્તા પર 8થી 10 વખત પલટી ખાઈ હતી અને રસ્તાની બાજુના વીજ ટ્રાન્સફોર્મર સાથે અથડાઈ હતી. ત્રણેયને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

સારવાર દરમિયાન અમન બાબરિયા અને પ્રભાત લામકાનું મોત થયું હતું. જીવણભાઈ ડાભી સારવાર હેઠળ છે. પરિવારજનો પાસેથી મળેલી માહિતી મુજબ, ત્રણેય યુવકો મંડપ ડેકોરેશનનું કામ કરતા હતા અને મોરબીમાં કામ માટે જઈ રહ્યા હતા.

ઘટનાની જાણ હોસ્પિટલ મારફતે પોલીસને કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતમાં થયેલાં મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.