ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં શુક્રવારે સવારે 9:54 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ સાથે મોડી રાતથી સવારે સુધીમાં કુલ 7 ભૂકંપીય આંચકા અનુભવાયા હતા. તાલાલા નજીકના વિસ્તારમાં મકાનોમાં ધ્રુજારી અનુભવાઈ હતી, જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી.
સૌથી વધુ તીવ્રતાનો આંચકો તાલાલાથી લગભગ 11 કિલોમીટર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આવેલા ભોજડ ગામ નજીક નોંધાયો હતો. તેનું કેન્દ્ર જમીનની અંદાજે 5.7 કિલોમીટર ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. આંચકાની અસરથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મોડી રાતથી આંચકાઓનો સિલસિલો
આ શ્રેણીની શરૂઆત રાત્રે 1:13 વાગ્યે 1.7ની તીવ્રતાના આંચકાથી થઈ હતી. ત્યારબાદ રાત્રે 2:01 વાગ્યે 2.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાત્રે 2:38 અને 2:42 વાગ્યે 1.2ની તીવ્રતાના બે આંચકા આવ્યા હતા. રાત્રે 2:46 વાગ્યે 1.9ની તીવ્રતાનો આંચકો અને સવારે 5:18 વાગ્યે 1.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યારબાદ સવારે 9:54 વાગ્યે 3.2ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો આવ્યો હતો.
તાલાલા અને ગીર વિસ્તાર ભૂકંપીય રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં સમયાંતરે ઓછા પ્રમાણની તીવ્રતાવાળા શ્રેણીબદ્ધ આંચકા નોંધાતા રહ્યા છે. આ પ્રકારની ઘટનાને ‘સ્વાર્મ અર્થક્વેક’ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એક મોટા ભૂકંપ બાદ આવતા આફ્ટરશોક્સને બદલે નજીકના વિસ્તારમાં નાના ભૂકંપોની શ્રેણી જોવા મળે છે.
સ્વાર્મ અર્થક્વેકની વિશેષતા
સ્વાર્મ પ્રકારના ભૂકંપ સામાન્ય રીતે જમીનની ઉપરની સપાટીથી આશરે 5થી 10 કિલોમીટર સુધીની ઊંડાઈએ ઉદ્ભવે છે. તેની તીવ્રતા સામાન્ય રીતે ઓછી હોય છે. કચ્છમાં મેઇન ફોલ્ટલાઇન સાથે જોડાયેલા ભૂકંપોની તુલનામાં સૌરાષ્ટ્રમાં કુદરતી ફોલ્ટ્સને કારણે ઓછા પ્રમાણની ભૂકંપીય ગતિવિધિ જોવા મળે છે.
અગાઉના અભ્યાસોના તારણ મુજબ તાલાલા વિસ્તારમાં ચોમાસા પછી આવા આંચકાઓનો સિલસિલો શરૂ થતો હોય છે. વરસાદનું પાણી જમીનની અંદર ઊતરીને ફોલ્ટ્સ પર પ્રવાહી દબાણ ઊભું કરે છે, જેના કારણે શ્રેણીબદ્ધ નાના ભૂકંપો સર્જાઈ શકે છે. અમરેલી જિલ્લાના મિતિયાળા આસપાસનો વિસ્તાર પણ આવા આંચકાઓ માટે જાણીતો છે.
