સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ વિરુદ્ધની અલગ અલગ કાર્યવાહીમાં વણોદમાં દસાડા પોલીસે દારૂ ભરેલી પીકઅપ કબજે કરી છે. પોલીસને રોકવાનો પ્રયાસ કરતાં ચાલક વાહન લઈને ભાગ્યો હતો. પીછો કર્યા બાદ તે કોઠંજી માતાજીના મંદિર પાસે પીકઅપ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ-બિયર અને વાહન સહિત કુલ રૂ. 7,51,056નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દસાડાના ઇન્ચાર્જ પી.આઈ. વી.આઈ. ખડિયા અને ભરતસિંહ પરમાર સહિતની ટીમને તા. 4ની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વણોદનો વિરમ રતાભાઈ ઠાકોર પીકઅપમાં વિદેશી દારૂ ભરી છત્રોટથી વણોદ તરફ આવવાનો છે. પોલીસે રાત્રે 12:30 વાગ્યે વણોદ બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. વાહનને રોકવાનો પ્રયાસ થતાં ચાલકે તેને વણોદ તરફ હંકારી મૂક્યું હતું. પીકઅપમાંથી દારૂની નાની-મોટી 1,478 બોટલ અને બિયરના 40 ટીન મળ્યાં હતાં. દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરાર ચાલકને પકડવા પીએસઆઈ વી.જે. માલવિયા તપાસ કરી રહ્યા છે.

લખતર અને સુરેન્દ્રનગરમાં પણ કાર્યવાહી

લખતરમાં આદલસર રોડ પર કાદેસર તળાવની પાળ પાસેની ઝૂંપડપટ્ટીમાં તા. 3ના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં રહેતા 38 વર્ષના મહેશ ગોરધનભાઈ જખવાડિયા પાસેથી વિદેશી દારૂના 383 ચપલા, જેની કિંમત રૂ. 54,003 દર્શાવાઈ છે, કબજે કરાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં મહેશે પોલીસને જણાવ્યું હતું કે લખતરનો હર્ષદ રસીકભાઈ જખવાડિયા 7-8 દિવસ પહેલાં દારૂ મૂકીને ગયો હતો અને એક પેટી રાખવા રૂ. 200 આપતો હતો. બંને સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે; હર્ષદને શોધવા વધુ તપાસ ચાલી રહી છે.

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પરથી જાહેરમાં દારૂ વેચવાનો આરોપ ધરાવતા 51 વર્ષના મનોજ વશરામભાઈ વાઘેલાને પણ પકડવામાં આવ્યો હતો. તે રતનપરના ભીમરાવ ચોક પાસે રહે છે. તેની પાસેથી દારૂના 11 ચપલા અને મોબાઈલ સહિત રૂ. 6,595ની મત્તા કબજે કરાઈ હોવાનું જણાવાયું છે.