સુરેન્દ્રનગર જિલ્લામાં 10 નવેમ્બરે થયેલા બે અલગ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં. મૂળી તાલુકામાં બાઈક અને સીએનજી રિક્ષાની ટક્કરમાં બે મિત્રોનાં મોત થયાં, જ્યારે દસાડા તાલુકામાં બાઈક સ્લીપ થતાં અમદાવાદના એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું.

મૂળી તાલુકાના જેપર-દાધોળીયા વચ્ચે થયેલા અકસ્માતમાં થાનના મનડાસર ગામના 20 વર્ષીય સંજયભાઈ સરવાડિયા, 18 વર્ષીય રોહિતભાઈ કટુડિયા અને 16 વર્ષીય દશરથભાઈ કટુડિયા બાઈક પર હતા. તેઓ વેલાળા ગામે સુરાપુરાનાં દર્શને જઈ રહ્યા હતા. સામેથી આવતી રિક્ષા સાથે ટક્કર થતાં ત્રણેય રસ્તા પર પટકાયા હતા. માથામાં ગંભીર ઈજાઓ થતાં રોહિત અને દશરથનું મોત થયું. સંજયને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા.

મૂળી પોલીસ મથકે અજાણ્યા રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસકર્મીઓએ મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની વધુ તપાસ પીએસઆઈ યુ.એન. જાડેજા કરી રહ્યા છે.

દસાડામાં બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

બીજા બનાવમાં અમદાવાદના નરોડામાં રહેતા 40 વર્ષીય રાજકુમાર ઈશ્વરદાન ગઢવી દિવાળી માટે પોતાના વતન સુરેલ આવ્યા હતા. 10 નવેમ્બરે તેઓ ફતેપુર ગામે મોગલ માતાનાં દર્શને બાઈક પર જઈ રહ્યા હતા. વીસનગર-ફતેપુર માર્ગ પર રૂપાસણ તળાવ નજીક શ્વાન રસ્તામાં આવી જતાં બાઈક સ્લીપ થયું હતું.

ગંભીર ઈજાગ્રસ્ત રાજકુમારને પહેલાં દસાડા સરકારી હોસ્પિટલ, ત્યારબાદ વિરમગામની શિવ હોસ્પિટલ અને પછી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 11 નવેમ્બરની રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત થયું. તેમના ભાઈએ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે; તપાસ એચસી એન.ડી. ગાબુ કરી રહ્યા છે.